પૃષ્ઠ:Shivaji-Ni-Loont.pdf/૧૮૩

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૭૩
કટાકટી-પરાક્રમ


પેલા પંદરે જવાંમર્દ સામો ઘોડાને ઝોકાવ્યો. ત્રણનાં માથાં ધડથી જૂદાં કરી, તે પોતાના સાથીઓ સાથે પાછો હઠયો, ને મરેઠાઓ અચંબો પામી રહ્યા, શિવાજીએ આ બધો ચમત્કાર જોઈને એકદમ પોતાના માણસોને અટકાવ્યા, ને નવાબ સાથે વાત કરવી ધારી. નવાબને વચન આપ્યું કે “ખુલાસો કરે નહિ ત્યાંસૂધી તને કશી ઈજા, દગાફટકા કે કાવતરાંથી થશે નહિ.” વિચાર કરી નવાબે તરવાર મ્યાન કીધી, ને ભાલાને હાથમાં રાખ્યો.

સત્તરમી સદીનો આ 'નાઈટ', જ્યારે તેને બોલાવવામાં આવ્યો ત્યારે તેની હુઝુરમાં ઘણા દબદબા ને દમામ સાથે ઉભો રહ્યો, ને પોતાના તોરમાં શિવાજીને જરાપણ માન ન દીધું. જો કે એ શિવાજીને બિલકુલ જણાયો નહોતો કે કોણ છે ! ને એ પોતે પોતાનો દબદબો સાચવવાને માટે જરા પણ ખંતી નહતો, તથાપિ જ્યારે એણે જોયું કે, રાજબીજના ગુણુનું ઉલ્લંઘન કરવામાં આવે છે ત્યારે એને શી દરકાર રહી ? જે પુરુષે મોતના મોં સામું જોયું તેને બીજાનો ભય કેવો ? રાજદરબારની રીતભાતથી સંપૂર્ણ માહિતગાર છતાં એણે આ અવિવેક પ્રથમ જ કીધો, જો કે તે કારણસર હતો. નવાબની બાજુએ તેના સાથીઓ ઉભા રહ્યા, પણ ભાલાને નીચા નમાવ્યા નહિ; જો કે તે કાળમાં ભાલાને નમાવવો, એ મોટા મનની એંધાણી હતી. તે શૂરવીર બેદરકાર પણ નિડરતાથી ઊભો રહેવા પછી મહારાજાએ પૂછ્યું.

“તમે કોઈ મોટા સરદાર છો જી ?” શિવાજીએ પ્રશ્ન કીધો. “તમને સરદારની પદવી કોણે આપી ને ક્યારે મળી છે ?”

“આલમગીર બાદશાહે, મહેરબાન દિલ્લીપતિએ.” સૂરતના નવાબે ઉત્તર દીધો.

“શસ્ત્રવિદ્યા તમે સારી જાણો છો, નહિ વારુ ? તમે હમણાં જે પટાબાજી ખેલી તે સરદારને બહુ માન અપાવે તેવી છે. હાલના સમયમાં તમે જે યુદ્ધનિપુણતા બતાવી, તે ખરેખર તમારી કીર્તિમાં વધારો કરશે; તો પણ તમે નથી જાણતા કે આ તમારી બહુ મૂલ્યની લડાયક શક્તિ