પૃષ્ઠ:Shivaji-Ni-Loont.pdf/૧૮૯

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૭૯
સુરતની સુરત !

લશ્કરમાં જઈને સઘળા વર્તમાન નિવેદન કીધા ને ઠાકોર ને દેશાઈ બન્નેએ ક્રોધમાં આવીને પોતાના લશ્કરને સઘળી બાજુએથી તૈયાર કીધું.

પાછલા પ્રકરણમાં જણાવી ગયા પ્રમાણે સુરતનું લશ્કર શિવાજીના લશ્કર પર તૂટી પડવાને દોડ્યું, પણ તે સો વાર અગાડી ધસે છે, તેટલામાં એક ઘોડેસ્વારે શ્વાસભેર દોડતાં આવીને નવરોઝના હાથમાં એક કાગળ મૂક્યો. નવરોઝે તે વાંચી સુરલાલ, જે બીજી ટુકડીને યોગ્ય આકારમાં ગોઠવતો હતો, તેની પાસે જઈને તેના હાથમાં આપ્યો. બન્ને વાંચી ઘણા ચકિત થયા, કેમકે માંડવીનો ઠાકોર ઘણાં વર્ષ થયાં સુરતના નવાબની સામે શત્રુવટ રાખતો હતો, તે આ વેળા એકદમ વહારે આવ્યો, તે પહેલાં માનતાં અચકાયા, પણ નવસારીના દેશાઈનો બીજો પેગામ હતો, તેમાં સઘળો ખુલાસો દર્શાવેલો હતો, તેથી ખાત્રી માની પોતાને મોટો આશ્રય મળ્યો જાણી પૂર ઉમંગમાં આવ્યા. સર્વ વર્તમાન મોતીને કહ્યા, ને ત્રણ બીજી ટુકડીની સરદારી, ત્રણ સ્ત્રીઓને આપી હતી, તે સર્વ હવે વધારે જુસ્સામાં આવી ગઈ. પેગામચી પાસે આવી નવરોઝે પૂછ્યું, “સૈન્યમાં કેટલું માણસ છે ?”

“ખુદાવંદ, તીન હજારસે કુછ જિયાદા ઘોડેસ્વાર ઔર પાંચ હજાર તીરંદાજ હયઁ !”

“અલ્લાહને બહોત યારી દી !” નવરોઝે પ્રાર્થના કરી. સંકેત પ્રમાણે આ વળી બીજી વેળા લશ્કર થંભ્યું. આથી શિવાજીને પોતાની સેનાની રચના કરવાનો સારો વખત મળ્યો. તેણે પોતાના સઘળા સરદારોને જીવપર આવીને ટૂટી પડવાને ઉશ્કેર્યા, ને સઘળાઓ મરવું કે મારવું એ જ નિશ્ચય કરીને તૈયાર થયા. પોતાની સેના તૈયાર થયા પછી શિવાજીએ બહારની મદદને હટાવવા માટે પહેલો માર્ગ લીધો; કેમકે તેની ધારણા એવી હતી કે, શહેરનું લશ્કર તો નામનું ને ગણત્રીનું જ હશે. જો બહારની વહાર પાછી હટી તો શહેરના ફુરચેફુરચા ઉરાડી દેતાં વિલંબ થશે નહિ. થોડુંક લશ્કર અગાડી ચાલ્યું. તે પૂણી નજીક આવ્યું કે સઘળા અટકી પડ્યા. સફસમારીને સામા લશકરના આવવાની વાટ જોતા મરેઠા ઉભા.