પૃષ્ઠ:Shivaji-Ni-Loont.pdf/૨૦

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૦
શિવાજીની સૂરતની લૂટ

હતાં, અને તેના ભાઈએ ઘરમાંથી વિના પ્રયેાજને કહાડી મૂકી હતી. જો કે ગુજરાન કરવાને તેને મહામહામુસિબત પડી હતી, તો પણ એક પણ દિવસે પાપ વાસના કરી નહતી. મહામહા કષ્ટે તે દહાડા ગુજારતી હતી. ઉમ્મર માત્ર સત્તર વર્ષની હતી. આવો તરુણાવસ્થાનો કાળ તે કેમ દુઃખે નિકળે ? સાધુ સંતને સમાગમ રાખે, પણ વિરહપીડા તો ન વેઠાય, ભણેલી ગણેલી હતી, તેથી ધર્મશાસ્ત્રથી જાણ્યું હતું કે, પતિ મરણ પામે તો સ્ત્રીથી બીજો પતિ ન થાય; છતાં વિરહથી પીડાવાને લીધે ફરી લગ્ન કરવાનો વિચાર કીધેલો ! તે જ્ઞાતે વીશનગરી નાગરાણી હતી. તેને આ ગૃહસ્થ નાગર હરિપ્રસાદ સાથે પ્રસંગ પડ્યો બંનેની સંપૂર્ણ ઈચ્છા લગ્ન માટે થઈ. અન્યોન્ય કોલથી બંધાયાં. જો કે કંઈક રીતે નિકટનાં સંબંધી હતાં, તે છતાં આપણે પરણવું સાથે ને મરવું સાથે એમ એકેકે કસમ ખાધા. પણ માણસ ધારે છે શું ને ઈશ્વર કરે છે શું ! એ સમયે નવાબ આગળ નાગર કાયેચોનો ભારે દોર હતો. તારાગવરી જે એ બાઈનું નામ હતું તેનો ભાઈ નવાબ સાહેબનો હજુરિયો હતો. તારાગવરી અને હરિપ્રસાદનાં પુનર્લગ્ન થનાર છે એમ જાણી તેણે નવાબને ભંભેર્યો. ઘણા રાજાઓને કાન હોય છે, પણ સાન હોતી નથી. તે પ્રમાણે નવાબે બંને જણને એકદમ પકડી મંગાવ્યાં. તારાને કેદખાનામાં રાખી, જ્યાં તેના ભાઈએ ઝેર આપી મારી નાંખી. હરિપ્રસાદને પણ બહુ રિબાવ્યો, પણ દહાડાના જોગે તે કેદખાનાના ઉપરીને કંઈ દાન દક્ષિણા આપી નાસી ગયો. પોતાની પ્યારીના બૂરા હાલ થવાથી, તેની છાતીમાં મોટો ઘા પડ્યો ને તેની ઉદાસીનતામાં સર્વસ્વ ત્યાગ કરીને વૈરાગ્ય ધારણ કર્યો. પણ મનમાં એવી ઈચ્છા ખરી કે, નવાબ અને તેના કારભારીને તેમની કરણીનાં ફળ ચખાડવાં. છએક વર્ષ હિંદુસ્તાનમાં રઝળી રખડીને ત્રણ વર્ષ થયાં પાછો પોતાનું વૈર લેવાને સુરતમાં આવીને પડેલો હતો. તેનું મન મોટું હતું અને તે તેજ પ્રમાણે મોટું વૈર લેવાને ધારતો હતો !! બહિરજીને પ્રથમ પરદેશી ધારી તેને આશ્રય આપ્યો, પણ જ્યારે તેણે જોયું કે આ પ્રપંચી છે, ત્યારે તે તેનો મળતિયો થયો; તે શું કરે છે તે આપણે હવે પછી જોઈશું.