પૃષ્ઠ:Shivaji-Ni-Loont.pdf/૨૦૦

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

૧૯૦


પ્રકરણ ૨૩ મું
“અલ્લાહ અકબર” અને “જય ભવાની."

ઘોડા કુદાવતી બંને સેના ખૂબ જોશમાં મચી હતી. શિવાજી આ મોટા સૈન્યની બહાદૂરી જોઇ વિસ્મય પામ્યો, વિચાર્યું કે ખચીત આ વેળા જય મળવો મુશ્કેલ છે, પણ તે સહજમાં હારી જાય તેવા યોધો નહોતો. બન્ને બાજુના સૈન્યમાં 'અલ્લાહ અકબર' 'જય માતા ભવાની,' 'હર ! હર ! મહાદેવ'ની બૂમ પડી રહી કોઈ પણ પક્ષના યોધા ગાંજ્યા જાય તેવા નહોતા. નવાબ કાફલાનો ઘાણ કાઢતો દોડતો હતો. તેની આસપાસ પચાસ રક્ષકો ને ત્રીસ કાળા સિંહમુખા હબશીઓ, જેઓ પૂર્વે નવાબના જનાનખાનાની તપાસ રાખતા હતા, તેઓ ફરી વળેલા હતા. તેઓ મરવું કે મારવું એની લેશ પણ ચિંતા રાખતા નહોતા. નવાબે માથાપર સફેદ લશ્કરી ટોપો પહેરેલો હતો ને તેપર મોરનાં પીછાં ઉડતાં હતાં. એટલે પોતાના માણસો તેને સારી રીતે પીછાની શકતાં હતાં. નાગરિક સેનામાં ત્રણ મૂર્તિઓ પણ તેની સાથે જ હતી. નવરોઝે જમણી બાજુની સુરલાલે ડાબી બાજુની મરઠાની ટુકડી કાપી નાંખી, ને મધ્યે નવરોઝે ઝોંકાવ્યું. રણજિતસિંહે પોતાનું પરાક્રમ બતાવવામાં બાકી રાખી નહી તેણે છ મોટા મરેઠા સરદારોને કાપી માલુસરેના ઘોડાને કાપી નાંખ્યો. પણ તેટલામાં રામરાવ નામના મરેઠા સરદારે ધસી આવી તેના હાથ પર ધા કીધો, ને તેના ભાલાને દૂર ફેંકી દેવડાવ્યો. પણ આ ભૈયનજી પહેલવાન જરા પણ હટ્યો નહિ; તે ડાબે હાથે રામરાવનું પેટ ચીરી તેના ઘોડા ઉપર ચઢી બેઠો. તેણે પાછું વિશેષ જુસ્સાથી ધુમવા માંડ્યું. તેના એક હાથમાંથી લોહીની ધાર વહી જતી હતી. કેસરીયાં કરવામાં બહુ આગ્રહી થયલો તે તેવે જ વેશે ઘણા જુસ્સામાં ધસ્યો ગયો. આ તેનો ભયંકર વેશ જોઈ મરેઠા લશ્કરમાં અતિશય ભય પથરાયો અને નાગરિક સેનાને વધારે શૂર છૂટ્યું.