પૃષ્ઠ:Shivaji-Ni-Loont.pdf/૨૦૧

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૯૧
"અલ્લાહ અકબર” અને “જય ભવાની”


“ધસો ! ધસો !” ઘણેક મોટેથી રણજિતસિંહે બૂમ પાડી, “શું જુઓ છો, પેલા હરામખોરને હમણાં તોડી પાડીશ, ને તેના શિરના કકડેકકડા કરી નાંખીશ.” આમ બોલવાની સાથે તે શિવાજીની તરફ ધસ્યો. તેનું કાલીપરજનું લશ્કર તેની પૂઠે ચાલ્યું. પણ આ બંને એક બીજાની ટક્કર ઝીલે, તેટલામાં વચ્ચે મોરો તીમલ આવ્યો ને આ બન્ને વચ્ચે ખૂબ જોરમાં લડાઈ ચાલી. મોરોએ રણજિતસિંહને જોતાં જ તેની સામા પોતાનો ઘોડો દોડાવ્યો, ને તોમર કાઢીને એકદમ તેનો ઘા માથામાં માર્યો કે, તે ત્યાં જ પડ્યો, પણ રણજિતસિંહે ભાલાની અણી એવી તો જોરમાં મારી કે, જો મોરો નીચે નમી ગયો નહોત તો એકદમ તેનું બખતર ફાડીને છાતી ચીરી નાંખત. મોરોના ઘોડાને ભાલો લાગતાં જ પડ્યો ને જો યેસાજી કંક પોતાના માવળા સાથે આવી ન પહોંચ્યો હોત તો મોરોને મારી નાંખવાને રણજિતસિંહ ચૂકત નહિ. હાથોહાથની લડાઈમાં પોતાના ગુરજથી એકદમ રણજિતસિંહે પ્રહાર કીધો ને મોરો પડ્યો. તેની છાતીપર ચઢી બેસવા આ વિકરાળ ભયંકર શૂરવીર ગયો, પણ યેસાજી કંકના એક માવળાએ આવી પીઠનો ધા કીધો ને રણજિતસિંહ એકદમ પડ્યો. પડતાંની સાથે લશ્કરમાં મોટો હાહાકાર થઈ રહ્યો.

નાગરિક લશ્કરમાં ઘણો ભય પથરાયો અને તેનું જોર નરમ પડ્યું પણ એકદમ શુરવીર સુરલાલે “હર ! હર મહાદેવ,” “જય કાલી” એમ બૂમ પાડી સહુને શૂર ચઢાવ્યું. પાછો રંગ રહ્યો ને મરેઠાઓ એમ જાણતા હતા કે, રણજિતસિંહના મુવાથી નાગરિક સેના પાછી હટશે, તેમાં તેઓ ખોટા પડ્યા. બન્ને બાજુએથી ઘણા જોશમાં પાછી લડાઈ ચાલી. થોડી પળ સઘળે અંધકાર છવાઈ રહ્યો. ધૂળના ગોટેગોટા ઉડી રહ્યા. કોઈને કોઈનું મેાંહ સૂઝતું નહોતું અને કયો પક્ષ વિશેષ બળવાન છે તે પણ જણાતું નહોતું. નવાબ પોતાના ગુલામો સાથે ધસ્યો ગયો ને બંને બાજુનો રસ્તો સાફ કરી નાંખ્યો. કોઈ પણ તેની સામા લડવાને