પૃષ્ઠ:Shivaji-Ni-Loont.pdf/૨૦૩

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૯૩
"અલ્લાહ અકબર” અને “જય ભવાની”


નવરોઝ એકદમ ગભરાઈ ગયો, ને નવાબ પણ આ અચાનકના બનાવથી બાવરો બની ગયો; જો કે નવરોઝ એકદમ પછાડી જઈને દોડતા લશ્કરને પાછું વાળવાને ઘણું મથ્યો, પણ તેનાથી કંઈ વળ્યું નહિ. જનાનાના રખવાળ હબશીઓ પણ હટ્યા, મુસલમાન સેના પણ હટી ને જોશમાં આવેલા નાગરિકો પણ પાછા હટ્યા.

ભૂત પેઠે મરેઠાઓ ગાંડા બન્યા, ને સૌને કાપવાને તૈયાર થયા. પણ તેટલામાં શિવાજીએ આવીને સહુને અટકાવ્યા. તે જાણતો હતો કે હજી ઘણું કામ લેવાનું છે, માટે એકદમ ગાંડા બની જશે તો ઘણું ખરાબ થશે. બંને બાજુએ હજી ઘણું કરવાનું છે ને ઘણું વેઠવાનું છે. ઘણા માણસો બંને પક્ષના આ પહેલી લડાઈમાં માર્યાં ગયાં છે, તેમાં નાગરિક કરતાં મરેઠામાંથી વિશેષ મુઆ છે એમ જ્યારે શિવાજીએ જાણ્યું ત્યારે તે ઘણો વિસ્મય પામ્યો. તાનાજી સામો આવીને ઉભો હતો, તે હવે કયો માર્ગ પકડવો તેનો વિચાર પૂછતો હતો; પણ બંનેમાંથી એકની પણ બોલવા માટે જીભ ઉપડી નહિ. એક બીજાનાં મેાં જોયા કરતા હતા. શિવાજી જે રીતે જોતો હતો તેના કરતાં માલુસરેનું જોવું વધારે વિચિત્ર હતું. તેનાથી જ્યારે ગુપચુપ રહેવાયું નહિ ત્યારે તેણે જ શાંતિ તોડી નાંખી:-

“તુરકડાએાએ ઘણો ગજબ કીધો છે, ને આપણા દોઢસો માણસો મેદાનમાં પડ્યા છે. મોટા સરદારો પણ પડ્યા છે, ને હવે જો આ નાઠેલા સિપાઈયો પાછા આવશે તો વિશેષ લાભ કે ગેરલાભ થશે. મારા તાબેદાર લડવૈયાઓ હવે એક નિવેડો લાવવા માગે છે, કાં તો હવે એકદમ ધસવા દો કે કાં તો પાછા હટો.”

“અને આ બધું એક બિનકેળવાયલા મલ્લે કીધું ?” પોતાની આસપાસ પડેલાં મડદાંને જોઈને, પોતાનો ટોપ માથાપર ઉંચો ખસેડી દાંત કચકચાવતાં, પણ બખ્તર સંભાળતાં શિવાજી બોલ્યો, “ધણું જવાંમદીં ભરેલું કામ કીધું છે. ભીમસેનને હટાવે તેવો પેલો તુરકડો છે.”