પૃષ્ઠ:Shivaji-Ni-Loont.pdf/૨૦૬

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૯૬
શિવાજીની સુરતની લૂટ

હઠવું નહિ જ, એ જ મારો નિશ્ચય છે. તારા ને મોરોપંતના માણસોને અગાડી મૂકજે કે તેઓ પાછા હટે નહિ.”

આમ બોલી બંને જૂદા પડ્યા, તાનાજીએ પોતાના માણસોને આવી સાવધ કીધા, ને મોરોપંતને પોતાના માવળાઓની ટુકડી સાથે અગાડી લાવ્યો. સઘળાઓ આ બાજુએ તૈયાર હતા.

આ વેળાએ નાગરિક સેના વિસામો ખાતી દરવાજા નજીક અટકીને ઉભી હતી. જુસ્સામાં ને ભયમાં આવેલા તે પહેલાં તો કોઈના ખાળ્યા ખળ્યા નહિ; પણ નવરોઝે ઠેઠ પછાડી જઈને સૌને અટકાવ્યા. આ વેળાએ ખરી મહેનત તો મોતી ને મણીની હતી; તેમણે સહુથી અગાડી જઈ, મોંપરનો બુરખો ખસેડી સેનાના નાસતા શૂરવીરોને શરમાવ્યા.

“ઊભા રહો ! ઓ હીચકારા, બાયલા, નામરદો ! નાસીને ક્યાં જાઓ છો ?” મોતીએ બૂમ પાડી કહ્યું:-“અમારા કરતાં પણ તમે ગયા? તમને શરમ આવતી નથી કે, અમે સ્ત્રીઓ ખરી મરદાઈ ને બહાદરીથી આ નગરના રક્ષણ માટે દૃઢ મનથી ઉભી રહીએ છીએ ત્યારે તમે નાસો છો ? નાસીને તમે જશો ક્યાં? કંઈ આટલામાં નાસવાની જગા છે વારુ ? કદી શહેરમાં જઈને ભરાશો તો પેલો ચંડાળ ભૂત, એકદમ દોડી આવી તમને, તમારાં બચ્ચાં છોકરાંને તમારી વહાલીઓ આગળ કાપી નાંખશે, ત્યારે પછી શું કરશો ? તમારી સ્ત્રીઓને, તમારાં બચ્ચાંને, તમારાં માબાપોને મારી નાખશે, તે વેળા તમે પસ્તાશો નહિ ? જાઓ તમારે માટે દરવાજો ખુલ્લો છે, પણ તમારી કીર્તિ એથી વધશે નહિ; તમે હીજડામાં ગણાશો, ને અમે તમારી જગ્યા સાચવી આજ મેદાનમાં પડીશું ત્યારે તમે હમેશાં જ રડશો. બેહતર છે કે તમારે બદલે તમારી સ્ત્રીઓ રણક્ષેત્રમાં આવી હોત ! આ જુઓ અમારા પગમાં કેટલા ઘા છે, પણ હું ને આ મારી બંને