પૃષ્ઠ:Shivaji-Ni-Loont.pdf/૨૧

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.


પ્રકરણ ૩ જું
બહિરજી અને બેરાગી

જેદિવસે ઉપલો બનાવ બન્યો, તેજ દિવસની રાત્રિયે-અને તે જ સ્થળે હનુમાનની જગાથી આશરે વીશ મિનિટના રસ્તાપરની દૂરની બંગલીમાં બે સ્ત્રી પુરુષ બેઠાં હતાં. બંને જુવાન અને રંગમસ્ત હતાં. ઉમ્મર પહેલીની માત્ર બાવીશ અને બીજાની પચ્ચીશ વર્ષની હતી. પુરુષ કરતાં સ્ત્રી સૌંદર્યમાં વિશેષ શ્રેષ્ઠ હતી. બંને જણ એ વખતની શહેરની સ્થિતિ સંબંધી વાત કરતાં હતાં; અને શહેરમાં હવે કંઈ આફત આવી પડશે, એમ પેલી સ્ત્રીએ બીજાને કહ્યાથી બંને ચિન્તાતુર હતાં. આવા ઉદ્વેગમાંથી મુક્ત થવા, અચિંતવ્યું બાજુના ખેતરોમાં ફરવાનો વિચાર કીધો અને બહાર નીકળી પડ્યાં.

રાત્રિના નવ વાગ્યા હતા. શિયાળાનો દહાડો હતો તેથી બંનેએ સાલ ઓઢી હતી. ધીમે ધીમે ખેતરોમાં આગળ વધ્યાં ગયાં અને આસપાસ ફરવામાં તેઓ આનંદ માનવા લાગ્યાં. ચન્ની પૂર ખીલી રહી હતી, તેથી દૂર સૂધી તેમની નજર પહોંચતી હતી. તમ તમ તમરાનો સૂર આવતો અને કોહલાનો બેસૂરો અવાજ સાંભળી વખતે પુરુષ ખંચાતો, પણ સ્ત્રી જે જાતે પુરુષાર્થી હતી તે તો ચાલી જ જતી હતી. થોડું ચાલી તેઓ જમણી બાજુએથી ડાબી બાજુએ ફર્યા. "પ્રિયે, એમ નહિ પણ આમ ચાલે !" "કયાં જવાનો વિચાર થયો છે ?” પેલા પુરુષે પૂછ્યું, અને વધાર્‌યું કે “હવે મને નિદ્રા ઘણી આવે છે માટે પાછાં ફરો." "જો તમારી એવી જ મરજી હોય, તો આ૫ બંગલે જઈ પોઢો, મને ફરવાની ઘણી હોંસ છે." આ સાંભળતાં જ પેલા પુરુષે પોતાનો રસ્તો બદલ્યો. તે પોતાની બંગલીએ ગયો અને સ્ત્રીએ બેરાગીની ઝુંપડી તરફ પોતાનાં પગલાં ઉપાડ્યા.

* * * *