પૃષ્ઠ:Shivaji-Ni-Loont.pdf/૨૧૩

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૦૩
બેવડો હુમલો-મણીનું પડવું-શિવાજીનું પાછું હટવું

તેટલામાં જે ઘા નવાબપર ઉગામવા ગયો, તેવો તે સચેતન થતી મણીને વાગ્યો ને એક ચીસ પાડતાં સાથે તે ભોંયપર પડી.

નવાબ ગભરાયો ને માલુસરે પણ ગભરાયો. પણ તે બનેથી કંઈ બની શકે તેવા ઉપાય નહોતો. નવાબ તો ક્ષણવાર થંભી રહ્યો, તેટલામાં માલુસરે નાસીને પોતાની સેનામાં ભરાયો. પણ આ વેળાએ તેના હાલ ઘણા ખરાબ હતા. શિવાજીનાં ઘણાં માણસો પડ્યાં હતાં, ને તે ઘેરાવામાંથી નીકળવાનો ઉપાય શોધતો હતો. મુસલમાન સારા સરદારો તેની આસપાસ ફરી વળેલા જ હતા, તેથી તે માત્ર તેમાંથી નીકળવાનો માર્ગ શોધવા લાગ્યો. માલુસરે મણી સાથે યુદ્ધકૌશલ્ય ખેલવા ગયો હતો, તેમાં લાભ એ થયો કે મરેઠાની સૈન્યવ્યવસ્થા તૂટી. બે તરવારના ઘા શિવાજીને થયા હતા ને બીજાઓ થોડા કે ઘણા ઘવાયા હતા. ચોમેર ગભરાટ પથરાઈ ગયો હતો, ને શોરબકોરનો ને પડતા પ્રાણીઓની બૂમોનો પાર નહોતો, ચીસો પણ તેટલી જ નીકળતી હતી. તે ભયાનક ગંભીર અવાજ સાંભળીને સૌ ચકિત થયા તેટલામાં સૂર્યોદય થયો. શિવાજીએ ધાર્યું કે હવે બચવાનો રસ્તો માત્ર નાસવું એ જ છે.

પોબારા ગણી જવાને શિવાજીએ યત્ન કીધો, પણ પહોળાઈ ને લંબાઈથી લશ્કર એટલું તો ચોતરફ ફરી વળ્યું હતું કે, કયે માર્ગે નીકળવું તે નક્કી કરવાનું સૂઝ્યું નહિ. એક ક્ષણ નજર ફેરવી, તાનાજી તથા બીજાઓને પોતાનો સંકેત કહ્યો. સૌ એક સ્થળ તરફ ભેગા થવા મચ્યા, પણ શહેરી લશ્કરે તેમ થવા દીધું નહિ. રોકાયલા માર્ગમાંથી તેણે ધીમે ધીમે પાછા હટવા માંડ્યું, ને પચાસ માણસના ભેાગે તે દરવાજા બહાર પડ્યો. હવે તેણે ઘણા જોસમાં પોતાના માણસોને નાસવા માટે બ્યુગલ ફૂંકયું, ને કંઈ પણ વીસામો ખાધા વગર એકદમ દોડવાનો ઠરાવ કીધો. તેણે પોતાના ઘોડા ખાનદેશના રસ્તા તરફ દોડાવ્યા.