પૃષ્ઠ:Shivaji-Ni-Loont.pdf/૨૧૬

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૦૬
શિવાજીની સુરતની લૂટ

પણ રીતે તેને ઓછું નહિ પડે તેમ વર્તવું, અને આ મોટા નુકસાનનો જે બદલો માગે તે આપવાનું વચન આપી આવવું.”

શુદ્ધિમાં આવ્યા પછી મોતીએ આ સઘળું સાંભળ્યું, પણ તે કંઇએ બોલી નહિ. તેનું ચિત્ત ભ્રમણાપર ચઢ્યું હતું અને તેના મોંમાં બોલવાની જરા પણ શક્તિ નહોતી, તેથી આ વેળાએ આ આજ્ઞાનો ભંગ કીધા, શિવાય તે એકદમ તે પ્રમાણે ચાલવાને તત્પર થાય એ અશક્ય હતું. ઘણો વખત સુધી તો તેનો દમ બંધાઈ ગયો, પણ જ્યારે પોતાના પ્રિયનાથની આજ્ઞા થઈ ત્યારે તેનાથી કોઈ પણ પ્રકારે તેને નારાજ કરવાનું ઠીક લાગ્યું નહિ. આટલીવાર તે આમ તેમ વામાટામા મારતી હતી; કયે મુખે તે હરિલાલ પાસે જાય ? તે મણીને જ આસપાસ ઝંખ્યા કરતી હતી, ને તેથી અથાગ શોકમાં પડવાથી કંઈ બોલાતું નહિ હતું, પણ ઘણી વારે આ પ્રમાણે બેાલી:-

“ખાવિંદ ! આપની આજ્ઞા બજાવવાને દાસી તત્પર છે, પણ આપ જ પધારો તો તે ઘણું રૂડું ગણાશે. મારી પ્રિય મણી ! હાય તેનું નામ યાદ કરતાં મારું હૃદય અત્યંત કલ્પાંત કરે છે, મને તેનાથી વિશેષ પ્રિય માત્ર આપ જ હતા. પણ શું તેનો કોઈ બચાવ કરી શક્યું નહિ ? દરિયાએ હાફેઝ ! તે પાપી ચંડાળો આ નગરને સર્વ રીતે લૂટી ગયા હોત તો ભલું કહેવાત, પણ આ પ્રસંગ મારો અંત આણનારો થશે. હાય ! ઓ પ્રભુ !” તેણીએ પોતાની પ્રિય સખી માટે વિલાપ કીધો; “રે મણી ! તું મારી પ્રિય બહેનને મારી તરફથી કોણ કહેશે કે તારું લોહી રેડાયું છે, તેની દોષિત હું છું? તારું સર્વ સ્થળે કલ્યાણ થાઓ.” આમ બોલતાં તેની આંખમાંથી ખળખળ કરતો આંસુનો ચોધારો પ્રવાહ વહેવા લાગ્યો.

આ દેખાવ જોઈને નવાબની છાતી પણ ભરાઈ આવી, અને આ સઘળું મેદાનમાં જ બને તે કોઈ જોય તો તેની અસર ઘણી માઠી થાય, એમ ધારીને વજ્રની છાતી કરી મોં ફેરવી નાંખી ઉભો થયો.