પૃષ્ઠ:Shivaji-Ni-Loont.pdf/૨૧૯

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૦૯
બાદશાહી દરબાર

કહેવાય, બેગમ સાહેબના આવવાની ખબર આપવા એક ચાકર ઠેઠ ઉપર દોડ્યો, ને ત્યાં, આપણે જેમ ઉપર જોયું તેમ, બારણું ઠોક્યું.

ત્રણ ચાર વાર બારણું ઠોકાયું તે હરિલાલે સાંભળ્યું જ નહિ; પણ ઘણીવાર બારણું ઠોકાયું ને બારણે કલબલ કલબલનો શોર સાંભળ્યો તેથી આસપાસ જોવાને તે ઉભો થયો, એટલે “હરિલાલજી, બારણાં ઉઘાડજો.” એવો મધુરો સાદ સંભળાયો. બેગમનો શબ્દ પારખી ઉતાવળે જઈ બારણું ઉઘાડ્યું તો બેગમ સાહેબે પણ શોકવસ્ત્ર સજેલાં હતાં. તેવા પહેરવેશથી, જાણે પોતાના કુટુંબમાં જ કંઈ મોટો ગજબ ગુજર્યો હોય તેવા ખરેખરા ભાવથી આવ્યાં અને હરિલાલની બેઠક નજીક જમીનપર જ તે બેસી ગયાં. હરિલાલે બેગમ સાહેબને ખુરસીપર બેસવા વિનતિ કીધી, પણ બેગમ, કે જેની આંખો આંસુથી તરબોળ થયેલી હતી તેનાથી નહિ ઉચું જોવાયું કે નહિ હા નાનો જવાબ દેવાયો ઘણીવાર સુધી મોતી બેગમ ચૂપ રહી ને તેટલામાં તો પાછી હરિલાલની છાતી ભરાઈ આવી. પોતે દુઃખ દૂર કરવા આવી છે, પણ વધારવા નહીં એ યાદ આવતાં જ બેગમ સાહેબાએ પોતાને પાલવડેથી અશ્રુ લૂછી નાંખ્યાં અને હરિલાલની સામું જોઈ બોલીઃ-

“હરિલાલજી ! આજે તમારા દુ:ખમાં હું કેવા પ્રકારે ભાગ લઈ તમોને તેનો બદલો આપું ? જે મારી પ્રિય સખી, મારા પ્રાણથી પણ વહાલી, તેનો ઉપકાર માનવાનો સમય તો આવ્યો નથી, પણ હરિલાલજી ! તેણે જે પરાક્રમ બતાવ્યું હતું, તેની મારા પતિ નવાબ સાહેબ બહુ બહુ તારીફ કરે છે, ને સઘળું લશ્કર તમારા શોકમાં સામેલ થઈ, મારી સખીનાં વખાણ કરે છે, તે જોઈ મારા હૃદયનો જો કે ભંગ થયેલો છે, ને હમણાં શોકથી હૃદયમાં અંત:કરણને બદલે કોયલાનો ઢગલો થયેલો છે; છતાં તે થોડુ આનંદ પામતું નથી. તેના કરતાં જો હું રણમાં પડી હોત તો ખરેખર મારી કીર્તિ માટે મારા પતિ બહુ ભાગ્યશાળી ગણાત. તમારા દુઃખને માટે આખા સુરત શહેરપર મોટો ઉપકાર થયો છે.