પૃષ્ઠ:Shivaji-Ni-Loont.pdf/૨૨૫

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૧૫
પરિશિષ્ટ

પાસે ગયા હતા, એ જહાનબેગ ઘણો નેક ને હિંમતવાન હતો અને વીરજી વહોરો પણ ઘણો ધનવાન અને ધર્માત્મા વાણિયો હતો. × × × આ વીરજી વહોરા પાસે તે સમયે રૂપીઆ એક કરોડથી વધારે નાણાં હતાં, અને તેને તથા તેના કુટુંબીઓને લૂટી, તેનાં ઘરબાર બાળી જમીનદોસ્ત કરી શિવાજી પહેલી લૂટમાં અનર્ગલ દોલત લઈ ગયો હતો. વીરજી વહોરાનું નામનિશાન શિવાજીએ રાખ્યું નહોતું. × × આજે અંદરનો કોટ તોડી નાંખવામાં આવ્યો છે, તેથી શહેર અને પરાં એકત્ર થઈ ગયાં છે, માત્ર તેઓ વચ્ચે ખાઈ હજી સુધી કોઈ કોઈ સ્થળે છે. × × × સુરતમાં હાલ જે કોટ રેલવેની ગાડીમાંથી દેખાય છે તે આલમપનાહનો ભાગ છે.

વાર્તામાં નવસારીના દેશાઈએ આવીને મદદ કર્યાની વાત છે. નવાબને તેવા મદદ કરનાર અનાવલા દેશાઇઓ ઘણા હતા. મહિધર, રૂઘનાથ, રામ, સામ - એ મોટા અનાવલા દેશાઈઓનાં નામ ઉપરથી તે તે પરાંના નામો પડેલાં છે.

દુમાલનું મેદાન કે જ્યાં આગળ ગ્યાસુદ્દીન રૂમી અને શિવાજી વચ્ચે છેલ્લી ઝપાઝપી થઈ હતી અને શિવાજી છ દિવસની લૂટ લઇને નાઠો હતો તે સરાહના દરવાજા બહાર છે. ત્યાં આગળ એક જુનું હનુમાનનું દહેરૂં છે.

તાપી નદી જ્યાં આગળ સમુદ્રને મળે છે ત્યાં આગળ હજીરા કરીને એક જુનું બારું છે. આ સ્થળ હવાફેરબદલ અને તેના પાણીના ગુણ માટે વખણાય છે. ત્યાંથી ૨ાા માઈલ ઉપર મોરા સુંવાળી નામનાં ગામ છે;- જ્યાં અસલ મોટાં વહાણો-ઝાઝો નાંગરતા અને જ્યાં યૂરોપી ટોપીવાળાઓ વચ્ચે માંહોમાંહે લડાઈઓ થતી.


દિલ્લીથી નાસી ગયા પછી શિવાજીને ઔરંગઝેબ સામે લડતા નાણાની ઘણી તાણ પડવા લાગી એટલે તેણે સુરત તરફ નજર ફેરવી, અને જ્યારે જોયું કે વીરજી વોરો કિલ્લો બાંધી શક્યો નથી, પણ માત્ર નમુના તરીકે માટીનો કોટ રચે છે, ત્યારે જુની વાત યાદ આવી, જાસુસો મોકલી માણસો અચાનક હલ્લો કર્યો (તા૦ ૫-૧-૧૬૬૪) અને તેમાં પહેલો ઘા વીરજી વોરા ઉપર પડ્યો. તેની દોલત શિવાજીએ લૂંટી લીધી; તેના કુટુંબીજનોને મારી નાંખ્યા, અને માટીનો કામચલાઉ કોટ ભાંગી ખેદાનમેદાન કર્યો, એવું દંતકથાકારો કહે છે.

આલમપનાહ-એટલે દુનિયાનો કચરો, એ કોટ (બહારનો) ઇ. સ. ૧૭૦૮માં બાદશાહ ફરૂખશીરના વખતમાં બંધાયો હતો.