પૃષ્ઠ:Shivaji-Ni-Loont.pdf/૨૩૦

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૨૦
પરિશિષ્ટ

પામતાં તેઓનાં ઘરબાર પણ મરેઠાએાએ બાળી નાંખ્યાં હતાં. એક અઠવાડીઆમાં આવી રીતે લૂંટેલાં અને બાળેલાં ઘરોની સંખ્યા ૩૦૦૦ ઉપરાંત ગણાય છે, અને અંગ્રેજોની ગણત્રી પ્રમાણે એક કરોડ રૂપીઆની લૂટ શિવાજીએ મેળવેલી હતી.*[૧]

સર્વ કાળ માટે હિન્દના ઇતિહાસમાં એક રાષ્ટ્ર સ્થાપક તરીકે શિવાજીનું નામ મશહુર છે; તેની કોઈથી ના પાડી શકાય તેમ નથી. આ સ્થળે તેણે ચલાવેલી લૂટ અને બીન ગુન્હેગાર નિ:શસ્ત્ર પ્રજાનો કરેલો નાશ વાજબી હતો કે કેમ તે વિચારવાનું જરૂરનું નથી. એટલું તો સાચું છે કે એનો વિચાર, ઔરંગઝેબે શાઇસ્તખાનને મોકલી પૂનાની લૂંટ ચલાવેલી તેનો બદલો વાળી તેના ઉપર વેર લેવાનો અને લડવા માટે પૈસા મેળવવાનો હતો. છતાં પણ એટલું તો અત્રે કહેવું જોઈએ કે પાડાના રોગે પખાલીને ડામ દેવો વાજબી ન જ હોઈ શકે. એક નિઃશસ્ત્ર, અસહાય પ્રજા ઉપર જોર જુલમ ગુજારવા, લૂટ ચલાવવી, તેના ઘરબાર બાળી નાંખવાં, હાથનાં કાંડાં કાપી નાંખવાં, નાક કાન છેદવા, અને માર મારવો - આવાં કરપીણ કૃત્યો માટે શિવાજી જોખમદાર હતો એટલી તો કોઈથી પણ ના કહી શકાય તેમ નથી.

આ લૂટ વખતે શિવાજીએ ખ્રિસ્તી કાપુચીન ધર્મગુરૂ ફાધર એબ્રોઝની આજીજી ઉપરથી સુરતમાં વસ્તા ખ્રિસ્તીઓને સતાવ્યા નથી. તે જ પ્રમાણે વલંદાના એક દલાલ મોહનદાસ પારેખ, કે જેઓ જીવતા હતા ત્યારે ઘણું જ દાન ખેરાત કરતા હતા, તેનું ઘર બચાવ્યું હતું. તે જ પ્રમાણે આ લૂંટફાટનું જે વર્ણન મળે છે તેમાં કોઈ પણ સ્થળે શહેરની સ્ત્રીઓને શિવાજીના માણસોએ રંજાડી હોય, તેમ કોઈની આબરૂ લૂંટી હોય, એવો એક પણ દાખલો મળતો નથી. મરાઠાઓના ઇતિહાસમાં સ્ત્રીઓ અને ધર્મ પ્રતિ શિવાજીને અત્યંત માન હતું તે જાણીતી વાત છે.

શિવાજીએ મેળવેલી લૂટ ઉપરથી જ સુરતને કેટલું નુકશાન ગયું તેનો અંદાજ કાઢવાનો નથી. સત્તરમી સદીમાં મોગલ મહારાજ્યના જે મોટાં બંદરો હતાં તેની પડતીનું કારણ શિવાજીની બે વારની સુરતની લૂટ (ઈ. સ. ૧૬૬૪ અને ૧૬૭૦) હતી. તેના હલ્લાથી સુરત વગેરે બંદરોની પડતી થઈ. દેશી અને


  1. *(કવિ નર્મદાશંકર ૩૦ કરોડની લૂટ શિવાજીએ મેળવી હતી એવું જણાવે છે અને બાળેલા ઘરોની સંખ્યા જોતાં અને વીરજી વોરા જેવા ઘણા શ્રીમંતો લૂટેલા જોતાં કવિએ આપેલા આંકડો વધારે વાજબી લાગે છે.)