પૃષ્ઠ:Shivaji-Ni-Loont.pdf/૨૩૨

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૨૨
પરિશિષ્ટ

જે સૈનિક સહાય મળી હતી તે અમદાવાદથી નહિ પણ માંડવી, વલસાડના અનાવલા દેશાઈ અને કાલીપરજના મુખીઓ તરફથી મળી હતી.

બીજી એક વાત મુખ્યત્વે કરીને એ ખાસ નોંધવા જેવી છે કે શિવાજીએ જેમ ખ્રિસ્તી ધર્મગુરૂ, હિન્દુ અને મુસલમાન શ્રીમંત પણ દાનવીર ગૃહસ્થોને સતાવ્યા નથી એવા પુરાવા આપવામાં આવે છે, તેમ તેણે સુરતના હિન્દુઓના મોટા મંદિરને લૂટમાંથી બચાવ્યું હતું. એવું કહેવામાં આવે છે કે જ્યારે મરેઠાઓ નાણાવટ લૂટતા લૂટતા મંદિરમાં પેઠા ત્યારે તે વખતના મહારાજશ્રીએ મરેઠા ટોળીના આગેવાનને જણાવ્યું કે, અમે તમારે માટે ઠાકોરજીની ભેટમાંથી હીસ્સો રાખેલો છે, તે લઈ જાઓ. મરેઠા નાયક તેથી આશ્ચર્ય પામ્યો, અને નમન કરીને મહારાજશ્રીએ જે કંઈ સ્વહસ્તે આપ્યું તે લઈને ચાલ્યો ગયો. તેજ પ્રમાણે મરેઠાએાએ પારસી ધર્મગુરૂઓને પણ રંજાડ્યા નથી, અને તેઓને અગ્નિપૂજક હોવાથી અગ્નિહોત્રી જેવા પવિત્ર સમજીને જતા કર્યા હતા. માત્ર એક યાહુદી વેપારીને તેની પાસેથી પૈસા કઢાવવા માટે બહુ સંતાપ્યો હતો, પણ યાહુદી પણ ખરો કે તેણે પ્રાણ જાય તો પણ પૈ આપી નહોતી. શિવાજીએ સ્ત્રી બાળકોને સતાવ્યાં નથી એમ કહેવામાં આવે છે, પણ તે વિષે મતભેદ છે. જેઓ જાણીતા શ્રીમંત હતા તેઓનાં ઘરબાર, માલ મિલકત લૂટી લેવામાં આવ્યાં હતાં, અને સ્ત્રી બાળકોને રસ્તામાં રઝળતા કરવામાં આવ્યાં, તથા મરદોના હાથ, કાન વગેરે કાપી લેવામાં આવ્યા હતા. આ રીતે શિવાજીએ સુરતને (ઈ. સ. ૧૬૬૪ અને ૧૬૭૦) બે વાર લૂંટ્યું હતું.