પૃષ્ઠ:Shivaji-Ni-Loont.pdf/૩૦

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૦


પ્રકરણ ૪ થું
મોગરાનો બહાર

બીજે દિવસે જ્યારે બહિરજી અને બાવાજી પોતપોતાની વાતમાં ગુંથાઈ શહેરમાં ફરવાની યોજના નક્કી કરતા હતા; અને દર્શને આવનારા ભક્તો આ નવા મરાઠાને જોઈને આશ્ચર્ય પામતા હતા, ત્યારે મણિગવરી પોતાની બંગલીમાં રાતની વાત સાંભળી શોકમાં હતી, જ્યારે બે દૂતો શહેર બહાર હનુમાનની જગાથી સહજ દૂર પોતાના નાયકને શોધવાને આસપાસ જોતા હતા, ત્યારે હરિલાલ પોતાના વિચારમાં મશગુલ થઈ જઈને શું કરવું, તેના ઘોટાળામાં પડ્યો હતો. તેણે થોડે વખત આમ તેમ ફેરાહેરા માર્યા અને પછી કંઈ જંપ ન વળ્યો, ત્યારે તે પોતે હનુમાનની જગા આગળ ગયો, ત્યાં દર્શન કરીને બાવાજીને પગે લાગી પાછો ફર્યો, ત્યાં બહિરજી હતો નહિ. હનુમાનની જગાના ઓટલા પરથી તેણે થોડે દૂર ત્રણ માણસોને વાતચીત કરતા જોયા, તેમાંના બે હિંદુ અને એક મુસલમાની વેશ સજેલો હિંદુ હતો, તેની પાસે જવાની કંઈ હિંમત ચાલી નહિ, તેથી પોતાની બંગલીએ તે પાછો ફર્યો.

“જોયું કે પ્રિય !” મણિ બેલી, “મને તો અતિ ઘણી ચિંતા લાગે છે કે, જે આજે ને આજે કંઈ થશે નહિ તો શહેરનું સત્યાનાશ વળી જશે.”

“ખરું છે. પણ શું ઈલાજ લેવો તે સુઝતો નથી;” તેણે જવાબ આપ્યો. “કંઈ વધારે ગડબડ કરીશું તો એ માણસ છટકી જશે અને સઘળું ઉલટું થઈ જશે; અને આપણા નસીબમાં કાળીટીલી લખાશે ! આપણો ધર્મ છે કે જેમ બને તેમ રાજાનું ને પ્રજાનું રક્ષણ કરવું, તમે કંઈ ઈલાજ બતાવો છો ?”

“તમે એ સઘળી ખટ૫ટ મૂકી દો અને મારા વિચારપર વાત રાખો;” મણિએ કહ્યું, “પણ આજે આપણે ત્યાં જે મિત્રો ભોજન માટે આવવાના છે, તેની સંભાળ તમારે લેવી પડશે. હું મારી શક્તિ પ્રમાણે એનો કંઈ સંકેત પાર ઉતારીશ.”