પૃષ્ઠ:Shivaji-Ni-Loont.pdf/૩૧

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૧
મોગરાનો બહાર


તુરત તે પ્રિય પતિએ, પોતાની પત્નીને એક ચુંબન કરીને તેના- પર પુરતો વિશ્વાસ મૂક્યો. અન્યોન્ય એવાં તે પ્રેમથી સંકળાયલાં હતાં કે, એક બીજાને ઘડી પણ વીલાં મૂકતાં નહિ; તથાપિ આટલું આ સ્થળે કહેવું જોઈયે કે, પુરુષ કરતાં સ્ત્રી સર્વ પ્રકારે શ્રેષ્ઠ બુદ્ધિવાળી હતી.

પ્રસંગને યોગ્ય આ સ્થળે પૂર્વનો ખુલાસો કરવો જોઈયે. રાત્રિના જે દંપતી દુમાલના હનુમાન આગળ ચન્નિની સહેલ કરતાં હતાં, તે શાહ આત્મારામના પ્રપૌત્ર ને તેની પત્ની હતાં. પોતાના પતિથી છુટી પડીને મણિગવરી હનુમાનના દેવાલય તરફ ફરી, તે આપણે ગયા પ્રકરણમાં જોઈ ગયા છીએ. તે જેવી ભીતના પાછલા ભાગપર આવી કે, મરાઠાનો શબ્દ સાંભળ્યો. તેને કાંઈ કારણસર મરાઠાનો ઘણો ભય હતો, તેથી જેવો એ શબ્દ સાંભળ્યો કે ખમચીને ઊભી રહી. બાવાજી ને બહિરજી જે જે વાત કરતા હતા, તે સઘળી તેણે સાંભળી; અને જ્યારે હાથમાં ચલમ લઈને બાવાજી આવ્યા, ત્યારે તે પડખાના ઝાડના ઓઠામાં લપાઈ ગઈ. ગાંજાથી બાવાજીની આંખ ચકચૂર-લહેલૂર બની રહી હતી ને તેથી તેને લાંબુ સૂઝે નહિ, તેથી પહેલી વેળા તે પાછો ફર્યો; પણ બીજી વેળાએ મણિથી અકસ્માત્ એમ જ બોલાઈ ગયું કે, “તમારું સત્યાનાશ જજો !” અને તે અવાજ બંને કાવતરાખોરને કાને એકી વખતે પડ્યો, તે બંને ઊઠતા સંભળાયા અને તેણે તુરત જાણ્યું કે, ઘાણ બગડી ગયો, પણ હીંમતવાળી હતી તેથી એકદમ નાસી ગઈ ઝાડમાં લૂગડું ભરાવાથી તેના ચીરા પણ ઉતરી પડ્યા, પણ જેમ હરણી નાસે તેમ નાસતાં તે પથ્થર સાથે અથડાઈ, પણ પાછી ઝટ- પટ ઉઠી, ટટાર થઈને નાઠી. તેને મરાઠાના નામનો જ મોટો ભય હતો, તેથી જ્યારે બહિરજીને સહજ જોયો, ત્યારે તે ઘણી ગભરાઈ; ને તેજ ગભરાટમાં એક શ્વાસે તે દોડી ગઈ. જો બહિરજીએ મણિને પકડી પાડી હોત તો ખચિત તે ત્યાં જ અધમોઇ થાત !