પૃષ્ઠ:Shivaji-Ni-Loont.pdf/૩૨

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૨
શિવાજીની સુરતની લૂંટ


ઘેર આવી ત્યારે બાર વાગી ગયા હતા. તે ઘણી ગભરાઈને વિચારમાં બેઠી. શું કરવું તે તેને સૂઝતું નહતું. તે વિચારમાં ને વિચારમાં એટલી લીન થઈ ગઈ હતી કે, પ્રભાત થયું તે પણ તેને માલુમ પડ્યું નહિ. પોતાના પતિના ઊઠવા સાથે એકદમ ગળગળી થઈને તેને ભેટી પડી અને રાતનો બનેલો સર્વ વૃત્તાંત કહ્યો. તે કહેતાં કહેતાં તેનાં રોમાંચ એવાં તો ઊભાં થયાં અને ભયથી એવી તો કાંપવા લાગી કે, હરિલાલે જો તેને બાથમાં લઈને સૂવાડી દીધી નહત, તો ખચીત તે પડી જાત. હરિલાલે મણિને ઘણી ધીરજ આપી, શાંત પાડી, સઘળો વૃત્તાંત જાણ્યા પછી બંનોએ સાથે દાતણપાણી કીધું અને દુધ પીધું. બંનો જણાં એ બાબત પોતાને શો સારો માર્ગ લેવો, તે માટે વિચારમાં પડ્યાં; અને જ્યાં સુધી ભટે આવીને “ભેાજન સમય થયો છે, માટે હવે ઊઠી ને સ્નાન કરી લો” એમ કહ્યું નહિ, ત્યાં સુધી બંનેમાંથી એક પણ ઊઠ્યું નહિ. જમ્યા પછી હરિલાલ પોતાના ઓરડામાંથી ઊઠીને હનુમાનની જગામાં ગયો. દર્શન કરી ત્યાંથી પાછો આવ્યો, ત્યારે મણિગવરી પોતાના છત્ર પલંગપર બેઠી હતી. તેને આવતાંને વાર જે પ્રશ્ન પૂછ્યું તે, ને તે પછીની વાતચીત આપણે ઉપર વાંચી ગયા છીયે. માત્ર આ સ્થળે વિશેષ એ જ કહેવાનું છે કે, આ બંનો સ્ત્રી પુરુષ તે સમયની આત્મારામ ભુખણની પેઢીનાં વડાં હતાં.

હરિલાલ પોતે બપોરના સૂઈ ગયો. મણિગવરી તો વિચારમાં જ બેસી રહી હતી. પોતાના પતિની આજ્ઞા તો મળી, પણ કયે પ્રકારે ફત્તેહ મળે તેનો તે વિચાર કરવા લાગી. જાતે ઘણી હીંમતવાન્, પણ ગમે તેવી પણ અંતે સ્ત્રી-અબલા, તે જ્યાં સૂધી કંઈ અડચણ ન આવે ત્યાં સૂધી પોતાનું કામકાજ સરેરાટ કરી જાય, પણ જરાક અડચણ આવે તો તુરત પાછી હઠી જાય, તેણીએ ઘણા વિચાર કર્યા; અંતે એક નક્કી ઠરાવ૫ર આવી. પાસેની ટેબલપરથી લખવાનાં સાધન લઈને એક ચિઠ્ઠી લખી કહાડી. પાછલા પહોરને વખતે તેણે પોતાના એક દાસને બોલાવી,