પૃષ્ઠ:Shivaji-Ni-Loont.pdf/૩૬

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૬
શિવાજીની સુરતની લુટ

કયાં ગયાં;” એમ પરોણઓએ બૂમાબૂમ કરી મૂકી. આસપાસ મોટી શોધાશોધ ચાલી રહી, ને જેવા હરિલાલ શેઠ બહાર નીકળ્યા કે સહુએ તેની મજાક બનાવવા માંડી. “ભાઈ ! વહુ તો તમને જ છે કે ઘડી ચાલે જ નહિ !” “અમે કંઈ ઝઘાતીયા નથી જો!” એમ એકે કહ્યું. “અરે તમે ન જાણો, એ ધણીધણિયાણી કંઈ કાચાં નથી, પહોંચેલ બુટ્ટી છે; સારસનું જોડું છે ! ઘડીય ન ચાલે ! જૂદાં પડે તો ઝુરાઈ જાય !" એમ બીજાએ ટોણો માર્યો. “હશે, જવા દો એ વાત, બળ્યું તમે તે શું એમની મજાક બનાવો છો ! લગાર મન હીઝરાતું હશે તેથી મીઠી મીઠી વાતચીત કરી આવ્યાં હશે;” એમ એક કન્યારાશિ લહેરખીબાઈએ મચકો કરીને હોઠ ફફડાવ્યા, પણ પછી ધીમેસથી હરિલાલ તરફ ફરીને બોલ્યો કે, “હવે તો અમને બધાને મોજ કરાવો, નહિ તો સહુ ચાલ્યાં જઈશું જો ભાઈ !”

“તમે સૌ કહો છો તે સત્ય છે;” તે યુવાને કહ્યું.“મારા જવાથી તમે સૌને જુદાં જુદાં અનુમાનો કરવાનો સમય મળ્યો એ બહુ ઠીક થયું.” પોતાના મનમાં જે વિચાર ઘોળાતા હતા તે વિચાર માટે આ મોજી જુવાનો કંઈ જ જાણતા નથી ને ઘણા બેદરકાર છે તે ઉપર મૂછમાં હસીને તેણે વધાર્‌યું; “મેં જાણી જોઈને એ તક તમારા હાથમાં આપી છે; પણ ખાત્રી રાખજો, કે હું તમારાથી જરાએ દૂર ગયો નથી. તમારા સુખને માટે તથા તમો સૌના સારા ને ઉમંગ માટે મને જેટલી કાળજી છે, તેટલી કાળજી બીજાઓને ભાગ્યે જ હશે, હવે હું તમારી હજુરમાંથી ખસવા પણ માંગતો નથી. જેમ તમે સૌ રાજી થાઓ તેવા પ્રકારે કરીશ.”

“આ તમારી મધુર લાવણ્યતા છે, પ્રિયમિત્ર !” એક દોસ્તે પ્રતિઉત્તર દીધું, “તમારા ઔદાર્ય મનનો, અમારા પ્રત્યેની તમારી પ્રીતિનો આ એક જાગતોજોત દાખલો છે અને તે માટે આ સૌ તમારો ખરા દિલથી ઉપકાર માને છે !”