પૃષ્ઠ:Shivaji-Ni-Loont.pdf/૪૦

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૩૦
શિવાજીની સુરતની લુટ

સાહેબના ત્યાંનો ખાસ આવેલો, તે પણ દરેક રકાબીમાં મૂકેલો હતો. પોતપોતાની રુચિ પ્રમાણે સૌએ તે ખાધો. ચાકરોએ ઓરડામાં ફરી વળી, રકાબી લઈને હાથ ધોવડાવ્યા ને હાથ લુછવાને સ્વચ્છ ધોયલા હાથલુછણા સૌના હાથમાં ધરી દીધા. પછી મુખવાસ આપવામાં આવ્યો. ક્ષણેક રહી પાછા સૌ ઉઠીને ઉભા થયા ને પોતપોતાના મિત્રો જોડે અનેક પ્રકારનાં ગપ્પાંસપ્પાં હાંકવા મંડ્યા.

આ સઘળા વખતમાં હરિલાલને પોતાની સ્ત્રી જોડે, તેમ બીજાઓ જોડે પણ વાત કરવાનો સમય મળ્યો નહોતો. સૌને પોતપોતાના વિચારમાં આનંદ માનતા હાલનમાલન કરતા જોયા, એટલે હરિલાલ મણિગવરી તરફ ગયો, ને થોડીક મિનિટ વાત કરવાને પ્રસંગ સાધ્યો.

“મારી અતિ પ્રિય સલુણી !” હરિલાલે મણિના ગાલ પર ધીમેસથી હાથ ફેરવીને કાનમાં કહ્યું: “તું જરા બાજુએ આવ, સૌને આજે કંઈ કારણસર આપણી વર્તણુકમાં ફેરફાર લાગે છે - તેથી સૌ આપણી હિલચાલ તપાસે છે, ને મારે કંઈ વિશેષ સૂચના કરવી છે. વહાલી ! તું જાણે છે કે આજે તને વિલી મૂકવાને હું કેટલો નારાજ છું, તે છતાં તને જવા દેવાનો કેટલો આગ્રહ કરું છું,”–

“મને માલુમ છે, હું જાણું છું;” મણિએ સંપૂર્ણ પ્રેમના આવેશના શબ્દથી, ધીમેસથી હોઠ હલાવ્યા, “આવો સુખદકાળ કંઈ વારંવાર આવતો નથી પણ નાચાર.”

“તારો ઉપકાર ! પણ જલદી જા, હવે વિલંબ ના કર.” ગાલ ઉપર હાથ લગાડી તેણે કહ્યું, “હું હવે જાઉં”–

આ શબ્દ પૂર્ણ ન થયો, તેટલામાં એક ભયંકર રણસિંગડું વાગ્યું; અને સૌ પરોણા હાંફળાફાંફળા, એ શું થયું તે જોવા વાડીના દરવાજા તરફ દોડ્યા.