પૃષ્ઠ:Shivaji-Ni-Loont.pdf/૪૬

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૩૬
શિવાજીની સુરતની લૂટ

કરવામાં તે પાકા ઉસ્તાદ હતો ને તે કાળના કોઈ પણ શિકારીને હંફાવે ને તેનું પાણી ઉતરાવે તેવી શક્તિ તેનામાં હતી. વારંવાર શિકારે જઈ, સુરતની આસપાસ વાઘની વસ્તી હતી તે નિર્મળ કીધી હતી અને હમેશાં તેને શિકાર મળતો તો જ પ્રફુલ્લિત વદનનો દેખાતો હતો. આ મર્દાઈ વગર બીજી બાબતમાં નવાબ એક સ્ત્રીને પણ લજ્જિત કરે તેવો હતો. ઉમરમાં લગભગ પંચાવન વરસ થયાં હતાં, તોપણ શરીરે સોહામણો હતો, રાજદરબારી કારસ્તાનમાં ઘણું કરીને મુસલમાન નવાબો ઉતરતા હોય છે અને આ નવાબ બાલ્યાવસ્થાથી જ એકલવાયો હતો, તોપણ તેને કેટલીક રીતે પાવરધો, નાગરોએ કીધો હતો. તેના પોશાકની ઢબછબ કોન્સ્ટાન્ટિનોપલના સુલતાન જેવી શ્રેષ્ઠ હતી. તે આલબિયન તરેહથી પોશાક પહેરતો, રુમસામથી આવેલી ઉંચી મખમલના ચંપલ અને હમણાંના હાઈલંડર જેવો સીનો રાખી જાણે એક વૃદ્ધ પ્રવીણ યોદ્ધો અચ્છી રીતે ધૂમતો હોય તેવો ફાંકડો દેખાતો હતો, જો કે તેવી શક્તિ એનામાં ઘણી જ થોડી હતી. બહાર ફરવા નીકળે ત્યારે હમેશાં બે ખંજર પાસે રાખતો- જે ખંજર ઉપર રત્ન જડેલાં હતાં ને તેની ખેાલ જરદોસથી ભરેલી ઘણી તેજસ્વી હતી; અને શિરપેચવાળી મંદીલની પાધડી ઘણી ફાંકડી ગોઠવી મૂકતો કે જે ઘણું કરીને તેલમાં બાર પૈસા ભાર ભાગ્યે જ થતી હતી. તેનામાં મુખ્ય ગુણ પ્રીતિનો હતો, પણ તે રાજ્યકાર્યને યોગ્ય ઘણા જ થોડા ગુણ ધરાવતો હતો.

નવાબે આવતાંને વાર એકદમ મોતીના ખભાપર હાથ નાંખી કહ્યું કે, “મારી પ્રિય સુંદરી !”

“તમે જાણતા નથી જહાંપનાહ !” ગભરાટ ને ચમકાટમાં મોતીએ જોસથી કહ્યું: “આજે મારી પ્રિય સખી મણિ મળવા આવી છે અને તે વળી ઘણી અગત્યની વાતચીત માટે ?”

“ક્યાં છે !” નવાબે પૂછ્યું, “મને તે સુંદર અાંખવાળી કંઈ જણાતી નથી."