પૃષ્ઠ:Shivaji-Ni-Loont.pdf/૫

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
પ્રકાશકનું નિવેદન




સ્વ. અમારા પૂજ્ય પિતાશ્રી ઈચ્છારામ સૂર્યરામ દેશાઈની લખેલી ઐતિહાસિક વાર્તાઓમાં આ પહેલું પુસ્તક છે. તે તેમણે ઈ. સ. ૧૮૮૧-૮૮ માં “આર્ય જ્ઞાનવર્ધક” નામના માસિક પત્રમાં કટકે કટકે છપાવી હતી, અને તેમની લખેલી “ગંગા-એક ગુર્જર વાર્તા ”માં એક આડકથા તરીકે ગુંથાયેલી હતી. વિશેષ હકીકત માટે પ્રસ્તુત વાર્તાની ચોથી આવૃત્તિમાં છાપેલું પ્રકાશકનું નિવેદનપત્ર અને ખાસ કરીને તેમાં આપેલી ગ્રન્થકર્તાની “ક્ષમા યાચના” જોવાની વિનતિ છે. અમે આ બન્ને પુસ્તકો ખાસ કરીને છુટાં પાડ્યાં છે, તેનું કારણ આ બંને નવલકથાઓ વાંચનાર સહજ સમજી શકશે.

અમે આ નવીન ચતુર્થાવૃત્તિમાં મુખ્ય ફેરફાર કશો કર્યો નથી, પણ માત્ર પરિશિષ્ટમાં સુરતની તે સમયની ઐતિહાસિક હકીકત એકત્ર કરીને છાપી છે. તે ઉપરથી ઐતિહાસિક હકીકતમાં ગ્રન્થકારે, વાર્તામાં રસની ઝમાવટ માટે કેટલો અને કેવો ફેરફાર કર્યો છે, અને કેટલે અંશે તે યોગ્ય છે તેની તુલના કરવાનું બની આવે તેમ છે. આખી વાર્તાની ગુંથણીમાં રમાનું પાત્ર અર્ધ અણખિલ્યું રહી જાય છે, તે વિષે ગ્રન્થકાર વિદ્યમાન હતા ત્યારે કેટલુંક લખવાનું કહેતા હતા, અને એ રીતે વાર્તાનું પુર વિશેષ રસીક બનાવવાની ઈચ્છા રાખતા હતા, પણ અકાળે તેમનો દેહ વિલય થવાથી આ વાર્તાની વિશેષ ખિલવટ અને “ટીપુ સુલતાન ” નામની અર્ધી રહેલી વાર્તા પૂર્ણ કરી શક્યા નહિ, એ માટે અફસોસ થાય છે.

ટીપુ સુલતાનની વાર્તા તેમણે આંકેલી રેખા અને પ્રકરણ વિભાગ ઉ૫રથી સમયાનુકૂળતા અને ઈશ્વરની કૃપા થતાં અમે ભવિષ્યમાં પૂર્ણ કરવા ઈચ્છા રાખીએ છીએ.