પૃષ્ઠ:Shivaji-Ni-Loont.pdf/૫૦

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૪૬
શિવાજીની સુરતની લૂટ

શીખામણ આપી કે, તારે તો મૌન ધારણ કરવું; કોઈ પૂછે તો જવાબ પણ ન આપવો.

સવારના આઠ થઈ ગયા હતા. દરેક માણસ પોતપોતાને ધંધે વળગી ગયો હતો, “નારાયણ હરે”ની બૂમ મારતા મારતા મોહોલ્લા ને શેરીઓ ખુંદતા ખુંદતા બંને પ્રપંચી વેરાગીઓ ચારેગમ ફરી વળ્યા. જે મોહોલ્લામાં જાય ત્યાંની રચના ને રીતભાત ને ખણણ થતો નાણાંનો અવાજ સાંભળીને મરાઠાની તો છાતી જ બંધ થઈ ગઈ. નાણાવટમાં જે નાણાંની ઉથલપાથલ થતી ને જે દોડધામ થતી ત્યાંથી બંને બેરાગીને પસાર થવું ભારે થઈ પડ્યું. અંગ્રેજોની પેઢીનો વેપાર ધમધોકાર ચાલતો હતો, મુલ્લાં ખડકી ઉપર, માળની ચઢ ઉતર જેઈ, મરાઠાનું કલેજું હાથ રહેતું ન હતું. હજારો મજુરોની દોડાદોડી જારી હતી. ડક્કાબંદરપર સેંકડો વાહાણો ડોલી રહ્યાં હતાં. ત્યાંની માલની ઉતર ચઢ ને દોડાદોડી બહુ ભારે હતી. મરાઠાએ મનમાં જ ગાંઠ બાંધી કે, જો નાણાવટ ને અંગ્રેજની કોઠી, એ બે જગો જ હાથમાં આવે તો બસ, શિવાજીનો દહાડો સિકંદર થતાં વાર લાગે નહિ, પોર્ટુગીઝ ને ફ્રેન્ચોની લાતીમાં પણ પૈસાની ઉથલપાથલ થોડી નહતી. મરાઠાની લાગણી તો ત્યાં એટલી બધી ઉભરાઈ આવી કે, વચ્ચે વચ્ચે કંઈ કંઈ બોલી ઉઠતો, પણ બેરાગી તેને વારી રાખતો; ક્ષણે ક્ષણે ધમકાવતો કે જો પકડાયા તો ઘડીના છઠ્ઠા ભાગમાં હલાલખેારને સ્વાધીન થઈ જઈશું. શહેરના મરદો ને સ્ત્રીઓની રહેણી ને ઉદ્યોગ જોતાં, તેમનો રુમઝુમ થતો અવાજ સાંભળતાં, બેરાગીનો વેશ લીધા છતાં મરાઠાથી તેમની સામા ત્રાંસી નજર નાંખ્યા વગર રહેવાતું નહિ.

ઘણું કરીને પૂર્વ કાળથી જ ચાલ્યું આવ્યું છે કે, જગતમાં જે વેરાગી થાય છે, તેમાંના ખરા સંસારત્યાગના વિચારથી વૈરાગ લેતા ઘણા થોડાજ હોય છે. કોઈ ઘર કુટુંબના ક્લેશથી, કોઈ સ્ત્રીના વિરહથી, કોઈ ઘણા કારી ઘા લાગવાથી ને કોઈ ધનની પ્રાપ્તિ બરાબર ન થવાથી,