પૃષ્ઠ:Shivaji-Ni-Loont.pdf/૫૪

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૪૪
શિવાજીની સુરતની લૂટ

સુધી ખેંચી ગયો. બહિરજીને પણ હવે ભ્રાંતિ આવી કે, મારી મૂર્ખાઈથી ઘાણ બગડ્યો છે. દરવાજાપરથી તેઓ એકદમ ઉભે પગે ઝડપથી ચાલ્યા. બેરાગી કરતાં બહિરજીને ઘણી દહેશત હતી; કેમકે તે પકડાય તો સૌથી વિશેષ શિક્ષા તેને જ મળે.

વાંચનારે મણિગવરીને પિછાની હશે. મોતી બેગમની અજબ રીતની વર્તણુકનો તે વિચાર કરતી હતી, અને નવાબની આવી ચાલચલગતથી શહેરનો નાશ જરૂર થશે એમ તે ધારતી બેઠી હતી. મોતી બેગમનો કંઈ પણ પત્ર તેને મળ્યો હતો નહિ કે તેણે શું કરવા ધાર્યું છે. મોતી બેગમે શું કર્યું છે તે માલમ કેમ પડે, એ વિચારમાં તેણે બપોરનું ભોજન પણ લીધું નહતું. બહિરજી ને બાવાજીની તપાસ પૂરેપૂરી કરવા માટે, અને તેમનાં મોંથી જ કંઈ વિશેષ જાણવા માટે, બંને વેરાગીને જમવા બોલાવ્યા હતા. પણ રસપર આવેલી વાતનો ભંગ આમ સહજમાં થઈ ગયો, ત્યારે તે ઘણું વિસ્મય પામી. તે ધીમે ધીમે દરવાજા લગણ ગઈ ને બાવાજીને પાછા તેડી લાવવાને માટે દેવડીપરના સીપાઈને વરદી દીધી; પણ બંને જણ એટલા તો ઝડપથી ચાલ્યા ગયા કે, સીપાઈ તેમને પકડી શક્યો નહિ.

દીવામાં બત્તી પડે, તે પહેલાં બને વેરાગી હનુમાનની જગ્યામાં ભૂખ્યા ડાંસ થયલા આવી પહોંચ્યા. રસ્તામાં બંનેમાનો એક પણ શખસ એક પણ શબ્દ બોલ્યો નહોતો; તેથી મઢુલીમાં પેસતાંની સાથે જ, બાવાજીએ એકદમ ગાળોનો વરસાદ બહિરજીપર વરસાવ્યો.

“હરામખોર! - કુત્તેકા લડકા !” ગુસ્સામાં બાવાજીએ બહિરજીના તરફ થુંકીને કહ્યું: “તુને કયા કિયા. તુઝે માલમ હૈ કે એ રંડી ક્યા કરેગી? અબ તેરા ઓર મેરા શીર તૂટનેકા મોકા આ રહા હૈ. તેરી ઘોડી તૈયાર કર, એર અબીકા અબ્બી ભાગ જા ! ઓ લડકી, તું પિછાનતા હે કે કૌન હૈ ? ઓ બડી ચબરાક ચંચળ જાત હૈ. નવાબકી બેગમકી સહેલીયા હૈ. ઓ અબ જાયગી ઓર સબ હકીકત કહેંગી, ઓર તેરા