પૃષ્ઠ:Shivaji-Ni-Loont.pdf/૫૯

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૪૯
ઘેરો

નહિ, તે તુરત ઉઠી પોતાના ઓરડામાં ગઈ ને સીસોટી વગાડી. પલકમાં બે માણસ આવી પહોંચ્યા. તેમને વજીર સાથે વાત કરનાર માણસોને પકડીને એકદમ કેદ કરવાનો હુકમ આપ્યો અને તુર્ત તે દિવાનખાનામાં આવી સ્વસ્થતાથી પાછી બેઠી ! ત્યાં આવીને એ જોય છે તો વજીર પોતાની જગાએ હતો નહિ. તે ચેતી ગઈ કે કંઈ પણ કાવતરું છે. તત્ક્ષણે પોતાના ખાસ પાસબાનને વજીરની ચર્ચા જોવા મોકલ્યો. નવાબ તરફ નજર કીધી તો તે તદ્દન બેશુદ્ધિમાં હતો. જાતે કંઈ પણ ભય વગરની છતાં આવા બારીક વખતમાં ઘણી ગભરાઈ; પણ પોતાની લોંડીપર વિશ્વાસ મૂકીને કહ્યું: “બહેન ! જો કે મારા ખાવિંદ આજે નિશામાં બેભાન જેવો થયો છે, પણ તેને તું તપાસજે. હું આ સર્વ મેજબાનોને પાનગુલાબ આપીને રુકસત આપું છું.” મુસલમાની રીત પ્રમાણે દાસીએ નમન કર્યું ને તે વાત સ્વીકારી હોય તેમ મોંથી દર્શાવ્યું. મોતીએ સર્વે મેમાનોને પાનગુલાબ અત્તર વગેરે છાંટીને રજા આપી.

* * * *

પણ શહેર બહાર આ વખતે જે બને છે, તે આપણે તપાસીએ. એક ચોક્કસ માણસે આવી શહેરમાં જણાવ્યું કે, 'મરાઠા પિંડારાઓનું લશ્કર આવે છે. ઘેાડાનાં પગલાંનો ધબડધબડ થતો અવાજ અને પુષ્કળ ધૂળનો વંટોળીયો દૂર દિશામાં દૃષ્ટે પડતો મેં જોયો હતો.' કોઈ લૂટારો શહેર લૂટવા આવે છે એવો શહેરમાં ભય વ્યાપ્યો; ક્ષણમાં શહેરમાં વાત ફેલાઈ ગઈ; સર્વે ગભરાઈ ગયા.

કડીંગ કડીંગ કરતા ધડીયાળમાં છ વાગ્યા. લોકોમાં તે અવાજ એક રીતે એવો તો ભયંકર થઈ પડ્યો કે, સૌ પોતપોતાની સાવચેતીમાં પડ્યા. ભય ઘણું મોટું હતું; એવું કે બાપને દીકરાની ફીકર કરવાનો સમય ન હતો ને દીકરાને બાપની ! જાન અને માલની ફીકરમાં સૌ પડ્યા. ધડાધડ ઘરનાં બારણાં દેવાવા લાગ્યાં; તેપર મોટી ભારે ભુંગળો નાંખવામાં આવી. કંઈક લોકો દોડધામ કરીને પોતાના બચાવ માટે