પૃષ્ઠ:Shivaji-Ni-Loont.pdf/૭૧

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૬૧
ઘેરો

પ્રથમ જૂદો વિચાર કીધો; પણ પછી તાત્કાળ નક્કી કીધું કે, શાહજાદા નવરોઝપર પત્ર મોકલી દિવાનને પકડવાનો બંદોબસ્ત કરવો, જેલમાંથી બહાર નીકળીને ઘેર જઈને તેણે ઝટ એક પત્રિકા લખી કહાડી ને પોતાના એક વિશ્વાસપાત્ર માણસ સાથે શાહજાદા નવરોઝપર મોકલાવી અને પોતે શિવાજી જે બાજુએ પડેલો છે તે બાજુના દરેક દરવાજા- પર દશ દશ સ્વારની ચોકી મૂકી સૌ સ્વારને હુકમ આપ્યો કે, “જેવા દિવાનને દેખો કે તેનું કંઈ પણ સાંભળ્યા વગર તમારે તેને એકદમ પકડી લાવવો.”

જે સંદેશો લઈ જનારને શાહજાદા નવરોઝને ઘેર મોકલ્યો હતો, તેને ખબર મળી કે અત્યારે સઘળા નવાબના મહેલમાં પધારેલા છે, એટલે તે ત્યાં ગયો. દરવાને પ્રથમ તેને અટકાવ્યો, પણ તેના કાનમાં કંઈ કહ્યું ને 'પાસ પોર્ટ' બતાવી એટલે તે વગર મુશ્કેલીઓ દિવાનખાનામાં જઈ શક્યો; ને ત્યાં જઈ શાહજાદા નવરોઝના હાથમાં ચિઠ્ઠી આપી.

શાહજાદા નવરોઝે ચિઠ્ઠી વાંચી કે તાત્કાળ-વાંચતાં વાંચતાં તેનાં રોમેરોમ ઉભા થઈ ગયાં. તે એકદમ જોસ્સામાં અને ગુસ્સાના આવેશમાં બોલી ઉઠ્યો:

“અરે આ તે કેવી વિચિત્ર વાત, મને ખબર નથી પડતી કે આ ગુનેહગારને યમરાજા કેવી શિક્ષા દેશે.” એક ક્ષણ ચૂપ રહ્યા પછી તે દિવાન તરફ નજર કરી બોલ્યો: “તું જાણે છે ઓ સયતાનના બચ્ચા ! કે તારાં કાળાં કર્મ કેવાં પ્રસિદ્ધ થનારાં છે ? પાપી ચંડાળ ! તું જેનું નિમક ખાય છે તેનો દ્રોહી થવા માગે છે ? યાદ રાખ કે, તારે માટે દોજખ શિવાય બીજી જગ્યા નથી !”

“ખબરદાર ! તારી જીભડી સંભાળ, નહિ તો હું હમણાં તારા અમીરીપણાને ઝાંખ લાગે તેવા તારા આ કર્મને યોગ્ય તને શિક્ષા કરીશ;” દિવાને કહ્યું.