પૃષ્ઠ:Shivaji-Ni-Loont.pdf/૭૨

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૬૫
શિવાજીની સૂરતની લૂટ


“ચાલ્યો જા, મૂર્ખ ! નહિ તો મારે મારી સત્તાની રૂપે તને યોગ્ય સજા કરવી પડશે;” શાહજાદા નવરોઝે ધિક્કારીને જવાબ વાળ્યો.

“નહિ, નહિ;” દિવાને કૃતજ્ઞપણાનો ડોળ ધારણ કરીને શબ્દ કહાડ્યો. “જેવા તમે જાતે મૂર્ખ છો, તેવા બીજાને ધારવામાં મોટી ભૂલ કરો છો.”

“કુતરા ! રસ્તો પકડ” ક્રોધાંધ થઈ શાહજાદો નવરોઝ બોલ્યો. “નહિ તો મુક્કીએ મુક્કીએ તારા ચુરેચુરા કરી નાંખીશ. જાણતો નહિ કે, તારાં દુષ્ટ કામોની કોઈને ખબર પણ નથી, પરંતુ એટલું યાદ રાખજે કે, તે જ કામો તારી ગરદન કપાવશે !”

“તું જાણે છે કે કોની સાથે વાત કરે છે ?” પોતાની દિવાનગીરીની સત્તાના તોરમાં જ દિવાને સવાલ કીધો.

“હા ! એક નિમકહરામ પાપિષ્ઠ હેવાન સાથે ?” નવરોઝે ઉભા થઈને, તરવારપર હાથ મૂકતાં જવાબ દીધો; ને અાંગળી બતાવીને બોલ્યો કે, “જલદી ચાલ્યો જા અહીંથી, નહિ તો હમણાં તને તારી સત્તાનો સ્વાદ ચખાડીશ !”

“સુવરના બચ્ચા ! તું તારું પરાક્રમ આજે બતાવે છે ?” પોતાની ખુરસીપરથી ઉભા થતાં દિવાન બોલ્યો:-“પણ યાદ રાખજે કે તેનું પરિણામ તારે કેવું ચાખવું પડે છે. તને શી સત્તા છે કે, તું આજે આ દિવાનખાનામાંથી મને જવાની ફરજ પાડે. પણ તું જાણ ને યાદ રાખ કે હમણાં હું જઈશ, પણ કાલે સવારના કાગડા કકળે તે પહેલાં તારું લોહી વહેતું જોઈશ ને તારે આ સામે ખડક માફક ઉભેલો મહેલ જમીનદોસ્ત થઈ જશે અને ત્યાં ગધેડાં ભૂંકશે.” આમ બોલીને તે નાસવાની યુક્તિ કરવામાં મનથી ગુંથાયો. પણ જે શબ્દ દિવાન બોલ્યો હતો, તે શબ્દ શાહજાદા નવરોઝના મનમાં એવા તો કારી ઘા પેઠે લાગ્યા, કે તેણે પોતાની તરવાર મ્યાનમાંથી ખેંચવા માંડી.