પૃષ્ઠ:Shivaji-Ni-Loont.pdf/૭૪

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૬૪
શિવાજીની સૂરતની લૂટ

કે મેં શો ગુન્હો કીધો છે ! મને જણાવશે નહિ ત્યાં સુધી હું તારા હુકમને અને આ મહોરને માન આપવાને બંધાયેલો નથી. હું તને જણાવું છું કે, તું એક મોટો રાજકેદી છે, કોની સત્તાથી તે મહેલમાં પ્રવેશ કીધો ?” જેમ ઓલાઈ જતો દીવો આખરે ઘણો ઝબકારો મારે તેવા ઝબકારાથી દિવાને છટકી જવાનો માર્ગ શોધ્યો; જો કે તેણે જાણ્યું કે, હવે આપણા દહાડા ભરાઈ ચૂક્યા છે.

“દિવાનજી ! આપ તો મોટા લોક છો, આપની સામા કોઈ ચેં કે ચું થઈ શકે નહિ ને કોઈથી આ૫ને પકડાય પણ નહિ; પણ સીપાઈઓ ! એને પકડીને એકદમ બેગમ સાહેબ પાસે લાવો.” સુરલાલે જરાક કરડાકીમાં જવાબ દઈ સખ્ત હુકમ કીધો.

“કોણ કમબખ્તની તાકાદ છે કે, અમારા સરદારને અાંગળી લગાવે !” દિવાનના બે બોડીગાર્ડ એકદમ ઉપર ચઢી આવી, નાગી તરવાર સાથે ઉભા રહી બોલ્યા.

“તમે તમારે માર્ગે ચાલ્યા જાવ, રક્ષકો ! આ જગ્યાએ તમારાથી તમારા સરદારનું રક્ષણ નહિ થઈ શકે. તમારો સરદાર નિમકહરામી માટે ગુન્હેગાર છે !” સુરલાલે તેમને સમજાવ્યા.

“તમારા હુકમ અમારા શિરપર છે. એ નિમકહરામ હોય તો હમે એની સાથ કદી પણ રહીશું નહિ.” રક્ષકોએ જવાબ દીધો. પણ તેટલામાં સુરલાલે સીસોટી વગાડી ને નીચેથી છ સીપાઈઓ નાગી તરવાર સાથ ઉપર દોડી આવ્યા; અને દિવાનખાનામાં બીરાજેલા સઘળા દરબારી પણ એ શું થયું છે, તે જાણવા આવી પહોંચ્યા.

“મારા સિપાહો ! આ બે રક્ષકો કંઈ પણ ચૂં ચાં કરે તો તેમને પણ પકડી, એમના સરદાર સાથે કેદ કરી બેગમ હજુર લાવો.”

“ના, ના; કંઈ હુજજતી ભરેલું પગલું ભરતા નહિ,” બેગમે અગાડી ધસી આવીને સઘળા સિપાઈને વારી રાખી હુકમ આપ્યો, “દિવાનજી ! આપ દિવાનખાનામાં આવીને બિરાજો.આપની યથાસ્થિત તજવીજ થશે.”