પૃષ્ઠ:Shivaji-Ni-Loont.pdf/૭૬

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૬૬
શિવાજીની સુરતની લૂટ

રાજી થાય ? મારો વિચાર એવો છે કે, કંઈક દંડ આપીને શહેરને બચાવવું. તે મારા જાણવા પ્રમાણે ઘણો જબરો છે, ને આપણા યોધાઓ મુડદાલ ને સરંજામ ઘણો નબળો છે, તેથી તેની સામે થવામાં આપણે ફાવીશું નહિ.”

“પણ તમને તો શિવાજી સાથે કંઈ સંબંધ નથીને!” સુરલાલે પૂછયું.

“ના, બીલકુલ નહિ;” ગભરાતો ગભરાતો દિવાન બોલ્યો.

“જુઓ, આ કોના અક્ષર છે ?” એક કાગળ દિવાનના હાથમાં મૂકીને પૂછ્યું.

એ જોતાંને વાર જ તે બોલ્યો; “ હું મુઓ ! હવે મારો ઇલાજ નથી. બેગમ સાહેબ ! તમારે શરણે છું, મારું રક્ષણ કરો !” નિરાશ થતાં તેણે કહ્યું કે, “હું રક્ષણ માગવાને લાયક નથી.”

“કાફર ! ચાંડાલ ! દેશદ્રોહી ! તારું રક્ષણ થાય નહિ ! જે માણસ પોતાના સ્વાર્થ માટે નગરની રાંક પ્રજા ને નિર્દોષ નવાબનો નાશ કરવા ઈચ્છે તેનું રક્ષણ ?” કંઈ પણ દયા વગર શાહજાદો બોલ્યો; “બેગમ સાહેબે એને કાપી નાંખવાને હુકમ આપવો.”

“જો સુરલાલે આ કાવતરું શોધી ક્હાડ્યું નહત, તો આપણી અવદશા કેવી થાત ?” બીજો અમીર બેલ્યો, “હમણાં ને હમણાં એને ખાટકીને હવાલે કરવો જોઈયે. બોલ ! તું આ ભયમાંથી બચવાને શી સરત કબુલ કરે છે ?"

“જે કહો તે; વગર સરતના દસ્તાવેજ પર સહી કરી આપવા તૈયાર છું.” નીચા નમીને દિવાને હિચકારાપણાથી કહ્યું.

“વગર સરતના દસ્તાવેજપર !” બેગમે પૂછ્યું.

“હા, કોઈપણ પ્રકારના દસ્તાવેજપર;” દિવાને જવાબ દીધો.

“ત્યારે જે જાણતા હો તે સઘળું જણાવો;” સુરલાલે કહ્યું. “દિવાન સાહેબ ! તમે રાજસ્થંભ છો, ને જે બન્યું તે ન બન્યું થનાર નથી, પરંતુ જે જાણતા હો તે બોલો, કે તે સર્વનો ઈલાજ થાય."