પૃષ્ઠ:Shivaji-Ni-Loont.pdf/૮૨

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૭૨
શિવાજીની સુરતની લૂટ

બીહીકને કારણે મૂકીને મરવું કે મારવું, એ જ નિશ્ચય કરીને તૈયાર થયા. શહેર કરતાં પરામાં વધારે મર્દ આદમીઓ હોય છે, તેથી ત્યાંના કામગરા લોકોને હઠાવવા મુશ્કેલ પડે એવું ધારી, અને નાણાવટ, ગોપીપુરામાં ઉજળી વસ્તી છે એમ વિચારીને, બહિરજીએ કહ્યું કે, “ચાલો, સૌ લૂટવાને નાણાવટ અને ગોપીપુરા.” અને સૌ સ્વાર મારતે ઘોડે ચાલ્યા, પ્રથમ જઈને નાણાવટમાં આત્મારામ ભૂખણની પેઢીપર હલ્લો કીધો. જયાંથી પુષ્કળ ધન હાથ આવ્યું અને તેની પછી બીજાં ઘણાં શરાફી ઘરોપર ગીધની માફક તૂટી પડ્યા, મોટા મોટા શરાફોના ધરોમાં પુષ્કળ પૈસા જોઈને જાણે સુપડે ને ટોપલે ઉસેડી જતા હોય તેમ જ ઉસેડવા મંડી પડ્યા. દરેક જણ ઘોડાપર માલ ભરીને શહેર બહાર શિવાજીની છાવણીમાં લઈ જતો હતો, મરાઠા ઝનુનીઓ જે ઘરમાં જતા ત્યાં વિક્રાળ દેખાવ કરતા હતા, ઘરનાં બારણાં ભાંગીને અથવા નીચી બારીઓ હોય તો તેપરથી ચઢીને અગાસીમાંથી એક છાપરા- પરથી બીજાપર જઈ કૂદીને દરેક ઘરમાં ઘુસી જતા ઘરમાં જતા સાથ એકદમ એકાદ નાના બાલકને પકડી તેનાં માબાપ આગળ ઘસડી લાવીને કહેતા કે, “જે હોય તે બતાવ, નહિ તો તારા બાલકને મારી નાંખીશું;" એટલું બોલતાં સાથ બાલકના ગળા આગળ તરવાર ધરતા; અને જો સહજ વિલંબ લાગે તે તુર્ત બાલકને કાપી નાંખવામાં વિલંબ લગાડતા નહતા; આ દેખાવ જોઈને ઘરનાં માણસો ત્રાહે ત્રાહે પોકારતાં, ને જે હોય તે બતાવી દેતાં હતાં. પુરુષોના કાનમાં કોકરવું હોય ને તે કહાડતાં વાર લાગી, અથવા સ્ત્રીના હાથના ચુડાને સુનાના પટા હોય ને ઉખેડી કહાડતાં મુશ્કેલી નડી, કે પગના તેડાના અઠ્ઠાસિયા સજડ બેસી ગયેલા જણાતા, તો કાન, હાથ કે પગને કાપી નાંખવો, એ તે એક ચાંચડ કે માંકડ મારવા જેવું મરાઠા રાક્ષસો ગણતા હતા. એક ઘર મૂકી બીજું ને બીજું મૂકીને ત્રીજું, એમ લૂટફાટ ચાલતી હતી. કોઈ ઘરવાળો સામે થતો ને મારામારીપર આવી જતો તો