પૃષ્ઠ:Shivaji-Ni-Loont.pdf/૮૬

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૭૬
શિવાજીની સુરતની લૂટ

તો પાછળ પડેલા મરાઠાઓ આ સુકુમાર બાલકીની લજજા લુટી તેને જીંદગીથી રદ કરત.

બીજે સ્થળે પણ કંઈ કંઈ માંહોમાંહેની મારામારીથી એ દિવસની લુટ પુરી થઈ હતી. શિવાજીને આ ખબર પડતાં તે ઘણો ગભરાયો. તેણે હરપ્રસાદને મોકલી સંધ્યાકાળ ન થયો, તેટલામાં એ દિવસની લુટ બંધ કરાવી. તોપણ આજની લુટ જોઈને શિવાજી ધરાઈ ગયો હતો, ધાર્યું કે સૂર્યપુરના જેવું બીજું એકે નગર ધનવાન્ હશે નહિ.

રાત્રિના સર્વ સરદારોની મીજલસ કરી ને કિલ્લો કેમ હાથ થાય તેને માટે બે જાસૂસ મોકલવાનો ઠરાવ કીધો. સધળા સરદારોને શાંત રહેવાને અને પોતાનું કામ યથાર્થ કરવાને બહુ સમજુતી આપી, પણ એટલામાં હરપ્રસાદ ગુસ્સે થઈ બોલી ઉઠ્યો;

“મહારાજ, મને જે વચન આપ્યું છે, તે આમ પળાશે ?”

“ખિન્ન ન થા, તારે માટે હું તૈયાર છું;” બહિરજી બોલ્યો.

“તારી શી ઇચ્છા છે ?” શિવાજીએ પૂછ્યું.

“એકસો સ્વાર ને મારી મહેનત; નાગરોના મોહોલ્લામાં જઈશ, ત્રણ ઘર લુટી તેત્રીસ કુટુંબને રડાવીશ.”

“સવારના તારા હુકમનો બરાબર અમલ થશે.”

હરપ્રસાદ શાંત થયો. મહારાજે હુકમ આપ્યો કે, એના તાબામાં સો માણસ સોંપવાં, જેથી સ્વતંત્ર રીતે એ કામ કરે. લૂંટારુ મંડળ, બીજે દિવસે બાકી રહેલા ભાગમાં લુટ કરવાનું નક્કી કરી વેરાઈ ગયું; ને જલજંપ્યું થયું.