પૃષ્ઠ:Shivaji-Ni-Loont.pdf/૮૮

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૭૮
શિવાજીની સુરતની લૂટ


“નવરોઝ, અત્યારે આપણે મરાઠા લુટારાની હીલચાલ જાણવી જોઈયે.”

“હા, ખુદાવંદ ! પણ તમને પ્રજાની ઘણી થોડી કાળજી છે. જો તેમ ન હત તો તમે ઘણી સારી રીતે પ્રજાના રક્ષણના ઉપાય યેાજત. ખેર, જે તકદીરમાં હોય છે તેના આગળ તદબીર નાચાર છે. રાતના મરાઠાની યુક્તિ જાણીને બનતા ઉપાય કરીને એ સૌને જલદીથી દેશ છોડાવાની યુક્તિ કરવી જોઈયે.”

“રાસ્ત છે !” નવાબે કહ્યું, “કોણ એ ખબર લાવે એવો માયનો પૂત છે ? આ પરાક્રમના બદલામાં એક હજાર મહોરનો આ કંઠો પ્રથમ તેના ગળાને સુશોભિત કરશે.”

બીજા સરદારો એક બીજાનું મુખ જોઈ રહ્યા, કોઈ હીમતથી બહાર પડ્યું નહિ. નવાબ પણ આવી રીતભાતથી બહુ આશ્ચર્ય પામ્યો. દરેકે દરેક સરદારના મ્હોંપરની લાલી જતી રહી હતી અને માત્ર નવરોઝ સરદાર શિવાય સૌ શબવત્ થઈ પડ્યા હતા, સૌના મનમાં એવો ધ્રાસકો પેઠો કે, જો આપણને બાતમી મેળવવા મોકલ્યા તો નક્કી પાછા બચ્ચાં છોકરાનું મ્હોં જોવા પામનાર નથી.

“શું સઘળા મારા નોકરો જનાની, હીચકારા, બાયલા છે ?” રુમીએ ખિન્ન મને પ્રશ્ન કીધો. “ મારા સરદારો જેએા મોટા મોટા પગારો ખાય છે અને મોટા સીપેહસાલારના ઇલકાબ ધરાવે છે, તે નામર્દ સ્ત્રીઓથી લજાય તેવા છે ? તોબાહ ! તોબાહ ! હું મોટો મૂર્ખ કે નામર્દના સમૂહમાં વાસ કરી નચિંત જીવે રહ્યો. “મર્દકી ગર્દમેં રહેના, નામર્દકી સરહદમેં ન જાના.” પણ શરમ મને કે, મારા સરદાર બકરાં ચરાવવાને લાયક છે તે મે જાણ્યું નહિ.”

“ખુદાએ હાફેઝ ! મને એવા અપમાનમાંથી બાતલ કરજો. આ બાલ તદ્દન ભુરા થઈ ગયા છે, તો પણ દિલોજાનથી જીવ દેવાને તત્પર છું;” નવરોઝ સરદારે કહ્યું.