પૃષ્ઠ:Shivaji-Ni-Loont.pdf/૯૧

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૮૧
કિલ્લાની મંડળી

હોડી ચાલી ને પૂંઠનો પવન હતો તેથી પાંચ મિનિટમાં લક્કડકોટ આગળ આવી પહોંચ્યાં. ત્યાં બે ઘોડા તૈયાર હતા. બંને શૂરી સ્ત્રીઓએ, સ્ત્રીનો પોશાક તજી મરાઠા પુરુષના જેવા પોશાક પહેરી લીધો ને ઘોડાપર બેસી કોટના એક તૂટેલા ભાગમાંથી શહેરમાં પેઠાં. હબસી, જે ખરો નિમકહલાલ હતો, અને જે મોતીનો હંમેશનો અંગ રક્ષક હતો, તે વરીઆવીના દરવાજા નજીક દોડી ગયો ને બક્ષીની પાયગામાંથી એક ઘણો સરસ ઘોડો લઈ આવી, આ બે વીરાંગના સાથે ત્રીજો ઉમેરાયો. બંને જણે આ વેળા કોઈ પણ પ્રકારનું ભય બાજુએ મૂકી દીધું હતું. ઉભયે ફરીને પોતાના પતિઓને મળવાની આતુરતા જરેજર મનમાંથી કહાડી નાંખી હતી. થોડીકવાર વિચાર કરી બંને જણે નક્કી કરી લીધું કે, મરાઠાની હાલત કેવી છે તે પ્રથમ જાણવી. સહેજ દૂર ગયા, એટલે મરાઠા ઘોડેસ્વાર મળ્યા. તેએાએ મરાઠીમાં બીજી બાજુના ખેરઆફીયતના સમાચાર પૂછ્યા ને મણીએ તેનું જોઈતું ઉત્તર આપ્યું. મણી ઘણી સારી રીતે મરાઠી બોલી શકતી હતી; તેથી બંને મરાઠી સ્વારોએ ધાર્યું કે રોન ફરતો આપણામાંનો કોઈ સ્વાર હશે. મણીએ કિલ્લામાં પેસવા પહેલાં પોતાના એક માણસથી સારી પેઠે મરાઠાઓની ખબર કહાડી હતી, ને જે કાંઈ અધુરું હતું તે મોતીથી જાણ્યું હતું; એટલે આ પ્રસંગે વાતચીત કરવાનું તેને ઘણું સુગમ પડ્યું, અગર જો સર્વના મનમાં ભય હતો, તથાપિ બહારથી યત્કિંચિત્ પણ બતાવ્યા વગર મરાઠીમાં વાતચીત કરવા માંડી.

“તમે ક્યાંથી આવ્યા, ને કંઈ નવા જુના સમાચાર દોસ્ત ?” મણીએ પૂછ્યું.

“નવા સમાચારમાં જાણવા જોગ એ છે કે, કિલ્લાનો ભેદ જે કોઈ બતાવે તેને વીશ હજારનું ઈનામ મહારાજ આપશે, એમ તાનાજી મુલેસરે લશ્કરમાં જણાવ્યું છે,” એક ઘોડેસ્વારે જણાવ્યું.

“તેને માટે તમે ઉમેદવાર છો ? કિલ્લાનો ભેદ મેળવવાવો, એ શું બહુ ભય ભરેલું નથી ?”