પૃષ્ઠ:Shivaji-Ni-Loont.pdf/૯૮

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૮૮
શિવાજીની સુરતની લૂટ

કસરતનો લાભ લેનારા હતા. કસરતશાળાના સારા ઉસ્તાદો તો નાના લશ્કરનું કામકાજ કરવે લાયક હતા, પણ મુસલમાની રાજ્યને લીધે કોઈ તેઓનો ભાવ જ પૂછતું નહતું. દિલ્હીના બાદશાહો પોતાનાં જ વગનાં માણસો લશ્કરમાં રાખવાની ગોઠવણ કરતા, કે વખતે નવાબ બેવફા થાય તો બાદશાહીને હાનિ પહોંચે નહિ; તેઓ તેના પક્ષમાં રહે ને નવાબને ખસેડી ખદેડી કાઢે ! તેથી શહેરના લાયક માણસો ધંધાધાપા વગર પડી રહેતા. એમ હિંદુઓનાં દીલ મુસલમાનો તરફ અપ્રીતિવાળાં હતાં. પણ જ્યારે શહેરને માથે સામાન્ય આફત આવેલી જોઈ ત્યારે આગલું પાછલું સઘળું વીસારી દઈને, આ સભામાં સઘળા જ એકદીલથી ભેગા થયા હતા. જ્યાં ઐકય હોય ત્યાં વિજય તો હાથ જોડી હાજરરહે છે.

રામભાઈ કણબીએ પોતાનો ઉભરો બહાર પાડ્યો ને દૃઢ ઠરાવ જણાવ્યો કે તુરત મિયાં બહાદુરજંગ બોલ્યા; “મેં મહમદ પેગંબરકે કસમસે કહેતા હું કે મેરે જીગરસે મેં મરનેકુ તૈયાર હું, લેકીન સબ અપને અપને તાનમેં મશગુલ તો હમ ક્યા કરે ? ચલો, સબ લોક ઊઠો, ઓર મરો યા મારો, પીછા પગ મત ધરના. અપને શહેરમેં ઓ સસૂર તીનતીન રોઝ હુવે મારકાટ કરતે હૈ, ઓર અપન દેખાં કરે ? વલ્લાહી બીહલ્લા ! ક્યા ઝમાના આયા હે કે, અપની કોઈ જાનફેસાનીકી પરવાહ રખતા નહિ. કુછ પરવાહ નહિ. હમ સબ પૈગંબરકે ફરજીંદ અપના દીલોઝાનસે કહેતે હૈ કી અપના રુહ ઓર કલીબ નઝર કરેંગે. હઝરત પેગંબરકે ખાતર હમ સબ કરનેમેં તૈયાર હૈ.”

“અાગેવાન ક્યાં છે ?” જોન્સ ટટાર થઈ ખુરસીપર સીધો બેસતાં બોલ્યો; કેમ કે લોકોનો આ ઉમંગ જોઈને તથા હજી શસ્ત્ર વગરના ને સહાયતા વિનાના લોકોમાં આટલું પાણી છે એ જોઈને, તે બહુ આશ્ચર્ય પામ્યો હતો, “તમારે માટે હું તૈયાર થાત, પણ મારાથી આ કોઠી છોડીને બહાર નીકળાય તેમ નથી. કોઈ પણ તમારો દોરવનારો હોવો જોઈયે. કાઈ શૂરો આગેવાની લેનારો નથી ?”