પૃષ્ઠ:Shobhana.pdf/૧૦૩

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
ભસ્મનાં પડ:૯૫
 

એક વખત પડે છે, તો બીજી વખત એમની શાળા ચલાવવા શિક્ષિકાની જરૂર પડે છે. હું બધાને ઓળખું છું.' લાલભાઈ સર્વજ્ઞ ઈશ્વરના ગુણ ધરાવતા લાગ્યા.

“સત્યવાદી” પત્ર પ્રથમ અઠવાડિયે પ્રસિદ્ધ થતું; પછી અઠવાડિયામાં બે વાર પ્રસિદ્ધ થવા લાગ્યું, અને થોડાં વર્ષોથી તે રોજિંદું પત્ર બની ગયું હતું. પ્રથમ આ પત્ર બીજા છાપખાને છપાતું; હવે પત્રનું પોતાનું જ છાપખાનું ગોઠવાયું હતું. ગાંધીવાદી-મહાસભાવાદી કહેવાતું આ પત્ર જોકે શાહીવાદ સામે જ મુખ્યત્વે પોતાના પ્રહારો કરતું હતું છતાં તે દેશી રાજાઓની વિચિત્રતા અને દૂષણોની બરાબર ભાળ કાઢી લાવી તેમની પણ ખબર લેઈ નાખતું હતું. તેના લેખોમાં ઝમક, ચળક, હાસ્ય અને તીખાશ જ્યાં જુઓ ત્યાં જડતાં; અને ઠઠ્ઠાચિત્રોના પુષ્કળ જમાવને લીધે તે અત્યંત પ્રિય થઈ પડયું હતું. હજારોની સંખ્યામાં તેની નકલો બહાર પડતી, અને “સત્યવાદી” શું કહે છે તે સાંભળવા-જાણવા માટે જનતા દરેક પ્રભાતે આતુર થઈ રહેતી.

એ પત્ર મહાસભાવાદી હતું છતાં પ્રસંગ આવ્યે મહાસભાવાદીઓની પણ ઝાટકણી કાઢવા ચૂકતું નહિ. ગાંધીજીએ પીછેહઠ ક્યાં કરી, સરદાર વલ્લભભાઈ કડવું કેમ બોલ્યા, રાજેન્દ્રબાબુની ઉંમર તેમની બુદ્ધિને કેમ હળવી બનાવે છે, અને સુભાષ તથા જવાહર પ્રત્યાઘાતી કેમ થતા જાય છે, તેનાં આાછાં વર્ણનો અને વિવેચનો કરી તે મહાસભાવાદીઓને પણ વખત બેવખત હલાવી મૂકતું હતું.

તેના માલિક કૃષ્ણકાન્ત હવે મોટરકાર રાખવાની સ્થિતિએ પહોંચી ગયા હતા. વચમાં વચમાં તેઓ મોટરકાર રાખતા અને કાઢી નાખતા એમ પણ બનતું. તેમને માટે સહુને ભય રહેતો છતાં નિંદાસ્ત્રમાંથી તેઓ મુક્ત રહી શક્યા ન હતા. તેઓ કોઈ વખત સટ્ટો કરતા હતા, કોઈ વખત કાર્નિવલો ચલાવતા હતા અને કોઈ વાર નાટક કંપનીઓની પણ માલિકી ભોગવતા હતા એમ કહેવાતું. આ ધંધાઓમાં શા માટે દૂષણ જોવામાં આવે છે તે સમજી શકાતું નથી. છતાં વિખ્યાત પત્રકાર બન્યા પછી તેમના વિરુદ્ધ આવી હકીકતો તેમને ઉતારી પાડવા છાનીછપની ફેલાવો પામ્યા કરતી હતી.

સફળતાને વરેલો મનુષ્ય નિંદાને લાત મારી શકે છે. કૃષ્ણકાન્તને નિંદા અસર કરી શકતી નહિ. ઉપરાંત - રાજા, રજવાડાં, આગેવાનો, અમલદારો, સ્ત્રીકાર્યકરો અને પ્રજાસેવકોના જીવનની તેમણે અભ્યાસપૂર્વક એવી નોંધ રાખી હતી કે ગમે તેવા મહાન કહેવાતા રાજવી કે મહાન