પૃષ્ઠ:Shobhana.pdf/૧૦૪

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૯૬: શોભના
 

મનાતા નેતાની કીર્તિને એક ક્ષણની અંદર ધૂળમાં મેળવી દેવાની શક્તિ તેઓ ધરાવતા એમ મનાતું હતું.

લેખ લખતા પરાશરને અંદરથી એક માણસે આવી કહ્યું :

'આપને બોલાવે છે.'

‘મને ?' પરાશરે પૂછ્યું. બનતાં સુધી લાલભાઈ સિવાય બીજા કોઈની સાથે માલિકની વિશ્વાસભરી વાતો થઈ શકતી નહિ એવી સર્વની માન્યતા હતી.

'બરાબર તપાસ કર; મને બોલવતા હશે.’ લાલભાઈએ કહ્યું.

‘ના જી, પરાશરભાઈને બોલાવે છે.' નોકરે કહ્યું.

લોકસેવા કરનાર ‘‘સત્યવાદી” પત્રમાં પણ નોકરોની સંસ્થા તો જીવતી જ હતી.

‘જાઓ. તમે મોટા થાઓ; પણ જરા વિવેક રાખજો. બહુ છોકરમત સારી નહિ.’ લાલભાઈએ પરાશરને શિખામણ આપી.

પરાશરે સખ્ત આાંખ કરી. કદી કદી તે પોતાના સાથીદારોને અને લાલભાઈને સુધ્ધાં ડરાવી શકતો.

‘સલાહ આપવા કરતાં તમે જ જાઓ ને !’ પરાશરે જતાં જતાં એક સાથીદારનું અર્ધહાસ્યભર્યું લાલભાઈને ઉદ્દેશી કહેવાયેલું કથન સાંભળ્યું. લાલભાઈએ ટેબલ ઉપર કાગળ પછાડ્યા. તે પણ પરાશરે સાંભળ્યું. તેના મનમાં આવ્યું :

‘કહેવાતું ‘‘સત્યવાદી” કેવા વહેંતિયા માણસોના લેખથી ઊભરાય છે ! અને તે આપણાં - પ્રજાનાં જીવન - પ્રજાનાં માનસ ઘડે છે.'

પરંતુ તે કૃષ્ણકાન્તની ઓરડીમાં આવ્યો ત્યારે તેને આથી પણ વધારે ઝંખવી નાખે એવો અનુભવ થયો. કૃષ્ણકાન્ત અને વિજયરાય બન્ને હસતા હતા. હસતે હસતે કૃષ્ણકાન્ત આવી ઊભા રહેલા પરાશરને એક ખુરશી ઉપર બેસાડ્યો.

‘તમને તો હું ઓળખું છું. તમે તો ભાસ્કરના મિત્ર થાઓ, નહિ ?’ વિજયરાયે પરાશરને પૂછ્યું.

‘હા જી, એ મને મિત્ર ગણે છે ખરો.' પરાશરે કહ્યું.

‘તમે તો ઉદ્દામવાદી વિચારો ધરાવો છો, ખરું ?’

'મને સાચા લાગે એ વિચારો હું ધરાવું છું.’

‘એ તો ઠીક પણ તમે મહાસભાવાદી તો નહિ જ ને ?’

‘ના જી. આ ખાદી પણ જનતામાં પ્રવેશ પામવા માટે પહેરુ છું. ખાદીની હિંદઉદ્ધારક શક્તિમાં હું માનતો નથી.'