પૃષ્ઠ:Shobhana.pdf/૧૦૫

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
ભસ્મનાં પડ:૯૭
 


‘ત્યારે તો તમે સત્ય અને અહિંસાના પણ વિરોધી હશો.'

‘ઉદ્દેશ સફળ કરવા જૂઠું બોલવું પડે કે હિંસા કરવી પડે તો તેમાં મને હરકત લાગતી નથી. જોકે સત્ય અને અહિંસા બંને મને પ્રિય છે.'

‘તો તમે બહુ ઉપયોગી થઈ પડશો. કૃષ્ણકાન્ત ! આ પરાશર કેવું લખે છે ?’ વિજયરાયે પત્રમાલિકને પૂછ્યું.

‘બહુ જ ધારદાર, એના લેખો વાંચનાર ઘણા છે.’

‘હું આથી આગળ પૂછું. તમને મહાસભાની વર્તમાન પ્રણાલિકા ગમે ખરી ?'

‘ના જી.' પરાશરે જવાબ આપ્યો.

‘તો પછી તમે વિરુદ્ધ કેમ લખતા નથી ?’

‘અમારા પત્રની એ નીતિ નથી ?’

‘તમે કયી બાબતમાં મહાસભાની વિરુદ્ધ છો ?’

‘ગાંધીજીનો આંતરનાદ મારાથી ઓળખાતો નથી. બધા જ સંજેગોમાં હૃદયપલટો હું શક્ય માનતો નથી. અહિંસા ડગલેપગલે ઉપયોગમાં ન આવે. ગઈ કાલનો જ દાખલો લઉં. હું હિંસાનો દેખાવ કરી શક્યો ન હોત તો એક મુસ્લિમ મરી જાત અને બીજો હું હિંદુ પણ મરી જાત.' પરાશરે કહ્યું.

‘એ તો ગાંધીજીની વાત થઈ. આપણે એમને તો બાજુએ જ મૂકવા પડશે. એમના મદદનીશો માટે આપણે કૈંક કહેવું પડે એમ છે.’

‘અંગત ટીકા ?’

‘નહિ નહિ, હું જાતે અહિંસામાં માનનારો ખાદીધારી છું. કોઈની અંગત ટીકા કરવાની જ નથી. આપણે તો તેમનાં કાર્ય અને રાજનીતિનો જ ઉલ્લેખ કરવાનો છે.'

‘હું સમજી શક્યો નથી. મારે આ બધા સાથે શો સંબંધ છે ?' પરાશરે કહ્યું.

‘હું તને સમજવું. વિજયરાયભાઈ જુદું પત્ર કાઢવા માગતા હતા; મેં તમને આપણું “સત્યવાદી" ખુલ્લું કરી આપ્યું. મહાસભા દૂષિત થતી જાય છે એમ ગાંધીજી પણ કહે છે. એ દૂષણો દર્શાવવાનો તેમનો વિચાર છે. મને લાગ્યું કે તું એ ઠીક કરી શકીશ.’

‘એટલે ?, પરાશર સહજ ચમક્યો. એને લાગ્યું કે મહાસભાનાં દૂષણોનું દર્શન પણ કૈંક દૂષિત હૃદયથી કરાવવાની વિજયરાય અને કૃષ્ણકાન્તની યુક્તિ ચાલતી હતી.