પૃષ્ઠ:Shobhana.pdf/૧૦૬

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૯૮: શોભના
 


‘તમે જુવાનો પૂરું સમજો નહિ અને સાંભળો પણ નહિ ! કહે, મહાસભાએ કિસાનો માટે શું કર્યું ? કૃષ્ણકાન્ત પૂછ્યું.

‘અને મજૂરો માટે ? વળી રાજસ્થાનોને તો અડવાની જ મહાસભા ના પાડે છે ! ઊલટ ત્યાંની પ્રવૃત્તિ ભીંસી નાખે છે ! મુસ્લિમો સામે ગાયબકરી બની જાય છે અને બિચારા સનાતનીઓની મરજી વિરુદ્ધ અસ્પૃશ્યો મંદિરમાં દાખલ કરે છે.' વિજયરાયે કહ્યું.

‘પણ હું સનાતનીઓનો પક્ષ લઈ શકું એમ નથી.' પરાશરે કહ્યું.

‘પક્ષનો સવાલ નથી; મહાસભાની ભૂલો બતાવવી અને સુધારવી એ મારો ઉદ્દેશ છે. અને તે અર્થે તમે મહાસભાની ટીકાનું જ એક પાનું તમારા પત્રમાં ઉઘાડો એમ હું કૃષ્ણકાન્તને કહી રહ્યો છું. કૃષ્ણકાન્ત એ પાનનું તંત્રીપદ તમને સોંપવા માગે છે એટલે મેં તમને બોલાવ્યા. તમારો પગાર એમાં વધી શકશે.' વિજયરાયે કહ્યું.

‘પગાર તો હુ જરૂર પૂરતો જ લઉ છું. વધારેની મારે જરૂર નથી.’ પરાશરે કહ્યું.

ધનની ન્યાયભરી વહેંચણી કરવાની વાતો કરનારથી બંગલાઓમાં રહેવાય નહિ અને મોટરકારમાં બેસાય નહિ એમ તેની દૃઢ માન્યતા થઈ ગઈ હતી. જરૂર કરતાં વધારે ધન સમાજમાંથી ખેંચી લેવું એ મહા પાપ છે, એમ માનનાર સહુએ તેનો જાત ઉપર પ્રયોગ કરવો જોઈએ એમ માની રહેલા પરાશરે પોતાની કિંમત અને જરૂરિયાત ત્રીસ રૂપિયા કરતાં વધારે આાંકી નહોતી.

‘એ તો વિજયરાજભાઈ ! બધું થશે. આપ એને લઈ જાઓ અને બને તે સૂચનાઓ આપો. એને એ બધું લખવું ગોઠશે અને પરમ દિવસથી આપણે "દેશ મુકુર"ના નામથી વિશિષ્ટ પાન શરૂ કરી દઈએ. પરાશર ! તું વિજયરાયભાઈની સાથે જજે.' કૃષ્ણકાન્તે કહ્યું.

પરાશરનું તાત્કાલિક કામ પૂરું થયું હતું. અને તેને વ્યવહારની ખબર હોત તો તે તરત ઊઠીને પોતાના ઓરડામાં આવી ખુરશીએ બેસી ગયો હોત; પરંતુ ‘સત્યવાદી’ના સત્યમાં ભાગ પડાવવાની આ યોજનામાં તેને હજી સમજ ન પડવાથી તે કૃષ્ણકાન્તની સામે જરા જોઈ રહ્યો. ઊઠવાની તૈયારી હજી પણ ન કરતા પરાશરને કૃષ્ણકાન્ત કહ્યું :

‘હમણાં તું બહાર બેસ; જતી વખતે તને લઈ જઈએ છીએ.'

પરાશરને ત્યારે ખબર પડી કે આગળની વાતમાં તેનું કામ ન હતું. મહાસભાના દોષો બહાર પાડવાના લેખ તેણે લખવાના હતા, એટલું જ