પૃષ્ઠ:Shobhana.pdf/૧૦૮

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૦૦: શોભના
 

હતી; પરંતુ અહિંસક વિજયરાયથી વિવેક ન જ ચુકાય. પરોણાગત એ ગાંધીવાદનું એક પરિણામ છે, અને તે દ્વારા હૃદયપલટાનો પૂરો અવકાશ માનતા વિજયરાય એક પાસ રવિશંકર મહારાજ*[૧] જેવાને માટે સાદો બાજરીનો રોટલો પણ પોતાના ઘરમાં કરાવી શકતા, અને સર ઈજાઝત કે સર બંકિમ જેવા પ્રધાનો માટે બેન્ક્વૅટ પણ બનાવી શકતા. વિજયરાયને સર બનવાની અને મહાસભાવાદી થવાની વચમાં બહુ જ થોડું અંતર રહી ગયું હતું.

‘એની વાત ન હતી. વિજયરાય મહાસભા ઉપર જરા રિસાયા લાગે છે.’ પરાશરે કહ્યું.

‘હું બધું જ જાણું છું.' લાલભાઈએ કહ્યું. લાલભાઈ જેવા પત્રકાર અને ખબરપત્રીનાં દિવ્યચક્ષુ આગેવાનોના શયનખંડ - અરે શયનપલંગ - સુધી પહોંચી જતાં હતાં, તો એવી એક સહજ વાત તેઓ ન જાણે એમ બને જ નહિ.

‘કહો તો ખરા.' એક સાથીએ કહ્યું.

‘હમણાં વાત બહાર ન પાડશો, દાવ આવ્યો સોગઠી મારવાની.’ આંખમાં અનુપમ તેજ લાવી લાલભાઈએ કહ્યું, ‘મુત્સદ્દીગીરી માત્ર રજવાડામાં જ ભરાઈ રહી છે એમ માનવાનું કારણ નથી. વર્તમાનપત્રોના જન્મ પછી ખબરપત્રીઓએ પણ મુત્સદ્દીગીરીમાં ભારે ભાગ પડાવ્યો છે એ કોઈએ ભૂલવું ન જોઈએ.’

‘બરાબર છે. તમે કહેલી કેટલી વાત અમે છૂપી રાખી છે તે તમે જ જાણો છો.’ સાથીદારે કહ્યું.

‘જુઓ, કોઈને કાને વાત ન જાય. કૃષ્ણકાન્તભાઈના કબાટમાં કાગળિયાં પણ છે. અને તે આધારે હું કહું છું.' લાલભાઈએ ચારે પાસ જોઈ તેમની વાણી હળવી કરતાં કહ્યું.

‘એમ ?'

'ઓહો !’

લાલભાઈ પાસેથી વાત કઢાવવામાં પાવરધા બનેલા સાથીઓએ આશ્ચર્ય દશાવ્યું.

પુરાવા વગરની વાત આપણી પાસે નહિ.’ લાલભાઈએ પોતાના સત્યવાદીપણાને પુષ્ટિ આપી.


  1. * ગુજરાતના એક સાચા વર્તમાન સાધુ.