પૃષ્ઠ:Shobhana.pdf/૧૦૯

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
ભસ્મનાં પડ:૧૦૧
 


‘પણ કહો તો ખરા ?' પરાશરે આંખ, મુખ અને વાણીની રમતથી કંટાળી કહ્યું.

'વિજયરાય ઈલાકાના પ્રધાનપદની ઉમેદવારી કરતા હતા તે ખબર છે ?' લાલભાઈએ પૂછ્યું.

‘ના.’ પરાશરે કહ્યું.

'“સત્યવાદી”માં સહજ ઈશારો પહેલાં આવ્યો હતો.' સાથીદારે કહ્યું.

‘એ ઉપરથી સમજી જાઓ. પોતાની ઉમેદવારીને ટેકો આપવા એમણે કૃષ્ણકાન્તને પત્ર લખેલો. તે કબાટમાં એ પડ્યો.’ લાલભાઈએ સત્ય ઉચ્ચાર્યું.

'પણ એ પ્રધાન બની શક્યા નહિ.’

‘એ જ વાંધો પડ્યો ને ! પેલા ગુજરાતી હિટલરે એમને ફગાવી દીધા!’

'કેમ?'

'મેં જાતે કારણ સાંભળ્યું છે, એ સુખવાસી જીવથી પ્રધાનપદની કંટકપથારી ઉપર નહિ સૂઈ શકાય એમ ચોખ્ખી જાહેરાત થયેલી. કેમ, હવે સમજાયું ?' લાલભાઈએ સમજ પાડી.

પ્રધાનપદ ન મળવાથી નારાજ બનેલા કેટકેટલા આગેવાનો દેશનું સ્વાતંત્ર્ય નહિ વેચી દે ? સમાજવાદમાં તલપૂર પણ ન માનતા વિજયરાય મહાસભાનાં દૂષણો ખુલ્લાં પાડવા એક સામ્યવાદીની સહાય લેતા હતા ! આભડછેટને ધર્મ માની રહેલા સનાતની હિંદુઓ, ગૌવધમાં ખુદાની કૃપા માની બેઠેલા મુસ્લિમો અને અસ્પૃશ્યતાના ઉત્પાદક જાણે ગાંધીજી હોય એમ ડગલે ને પગલે ઉશ્કેરાઈ મહાસભા ઉપર પૂર્વ યુગનો બધો દોષ નાખતા હરિજનો પરસ્પરને ગળે હાથ નાખી મહાસભાના હૃદયમાં છૂરી ભોંકવા એક બની જાય તો તેમાં કોઈએ નવાઈ માનવાની જરૂર નથી ! હિંદમાં એ અશક્ય નથી.

પરાશરના વિચારો એકાએક અટકી ગયા; વિજયરાય અને કૃષ્ણકાન્ત બંને હસતા હસતા બહાર આવ્યા. લેખકવર્ગ ચડીચૂપ બની નીચું માથું ઘાલી લખવામાં મશગૂલ હોવાનો દેખાવ ઝડપથી કરી શક્યો.

‘પરાશર ! તો તું જરા વિજયરાયભાઈ સાથે જા.' કૃષ્ણકાન્ત કહ્યું.

‘હા જી, હું તૈયાર છું.’ પરાશરે કહ્યું અને તે ઊભો થયો.

વિજયરાયે પરાશરને ખભે હાથ મૂક્યો, અને પ્રસન્નતાસૂચક અભિનય કરી તેને આગળ લીધો. લાલભાઈ સુધ્ધાં સર્વ સાથીદારોનાં હૃદયમાં ઓછી વધતી ઈર્ષા પણ પ્રજળી ઊઠી. પરાશરનું ભાવિ બહુ ઊજળું