પૃષ્ઠ:Shobhana.pdf/૧૧

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
જ્વાળામુખી:૩
 

વિદ્યાર્થીઓને શાંત રહેવાનો ઉપેક્ષા પામતો બોધ કરી તેમણે સભાનું કામ આગળ ચલાવ્યું અને ચર્ચા માટે મુખ્ય વક્તાને સૂચના કરી.

સભાઓ તાલી પાડવા માટે, હસવા માટે, બૂમો પાડવા માટે અને બેઠકો ઠોકવા માટે જ હોય છે એમ માનતા વિદ્યાર્થીઓએ મુખ્ય વક્તાના વ્યાખ્યાનના થોડા ટુકડા સાંભળ્યા અને મોટાભાગને ઘોંઘાટમાં ડુબાવી દીધો. સ્વમાનભંગ થયેલો એ વક્તા એક ઊંડો ઘા પામી બેસી ગયો. સ્ત્રી અને પુરુષના હક્ક સમાન ન હોઈ શકે એવો પક્ષ એણે લીધો હતો.

સામો વાદ કરવાને એક બીજો વિદ્યાર્થી ઊભો થયો. તેને પણ પૂરતા પ્રમાણમાં તાળીપ્રદાન મળ્યું, એટલું જ નહિ, પરંતુ વ્યાખ્યાનસ્થાન પાસે જતાં તેને આછી ઠોકર વાગી એટલે તાળીઓનાં પૂર ઊભરાયાં. વિદ્યાર્થીજગત ક્રૂર અને અન્યની વિટંબણામાં ખૂબ હસી શકે એવું નિર્દય બની ગયું છે એવો વિચાર આવતાં પ્રમુખે નિશ્વાસ નાખ્યો. સામા વાદમાં શું કહેવાયું તે કોઈના પણ સાંભળવામાં આવ્યું નહિ. પ્રમુખે પ્રથમ હસીને, ગાંભીર્યથી, ત્યાર બાદ મેજ ઉપર મુક્કો ઠોકીને અને અંતે અત્યંત ક્રોધપૂર્વક વિદ્યાર્થીઓને ગૃહસ્થાઈ વાપરવા વિનતિ કરી. જગતમાં ગૃહસ્થાઈ હોય તો વિદ્યાર્થીવર્ગમાં તે આવે ને ? રહ્યોસહ્યો ગૃહસ્થાઈનો ટુકડો સભાગૃહમાં થાડી ક્ષણો માટે પ્રવેશ પામ્યો, અને એક આકર્ષક યુવકે જરા પણ ક્ષોભ વગર વ્યાખ્યાનસ્થાન ઉપર પગ મૂક્યો. શાંત રહેલી વિદ્યાર્થીજનતાએ પાછો હોકાર શરૂ કરી દીધો. અદબ વાળી ઊભા રહેલા એ યુવકે વિદ્યાર્થીઓના એ ઊભરાને ઊભરાઈ જવા દીધો. સમુદ્રના ઊછળતાં મોજાં ખડક સામે અથડાઈ રહ્યાં પરંતુ ખડક ખસ્યો નહિઃ યુવક આછા સ્મિતસહ ઊભો જ રહ્યો.

સહજ શાંતિ ફેલાતાં તેણે સ્થિરતાભર્યો ઉચ્ચાર કર્યો:

"પ્રમુખ સાહેબ !

સ્ત્રીઓ અને પુરુષોના હક્ક સમાન કદી ન હોઈ શકે..."

વિદ્યાર્થીઓએ તાળીઓ પાડી, પરંતુ આગળ સાંભળવાની સહુને આછી લાલચ થઈ.

યુવકે તેનો લાભ લીધો અને અસરકારક ભાષામાં તેણે ચર્ચા કરી. સ્ત્રીએ જગતના વિકાસમાં કશો જ ફાળો આપ્યો નથી, એને પુરુષ દોરે તેમ દોરાવાનો તેનો ધર્મ જ છે, એવો તેના વક્તવ્યનો ધ્વનિ હતો.

સહુએ તેને શાંતિથી અને વખાણની તાળીઓ સહ સાંભળ્યો. વિદ્યાર્થીઓના ઉત્સાહને વેગ મળે એવી ઘણી ઘણી રસપ્રદ બાબતો એમાં