પૃષ્ઠ:Shobhana.pdf/૧૧૨

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

'મેં મહાસભામાં કેટલા રૂપિયા ખર્ચ્યાં તે જાણો છો ?' વિજયરાયે પરાશરને કહ્યું. વિજયરાયના ભવ્ય બંગલાના એક ખૂબ શણગારેલા દીવાનખાનામાં બંને વાત કરતા બેઠા હતા. ચાંદીની કીટલીમાં ચા હતી, અને સુંદર પ્યાલોરકાબી સહ તે એક મેજને શોભાવતી હતી. ઓરડાનો શણગાર દેશી દબદબાભર્યો હતો. સોફા અને ખુરશીઓ તો પરદેશી લાકડાનાં અને પરદેશી બનાવટનાં હતાં જ; પરંતુ તેમના ઓઢા દેશી કારીગરીના નમૂનારૂપ લાગતા હતા. પાથરેલા કાશ્મીરી નમદા અને ગાલીચા પણ હિંદને આગળ કરતા હોય એવા લાગતા હતા. આખા ઓરડામાં જાણે દેશી પડદા પાછળ યુરોપીય વૈભવ સંતાડ્યો હોય એવો ભાસ પરાશરને થયા કરતો હતો.

“મેં સાંભળ્યું છે કે આપે અસહકાર સમયે ખૂબ સહાય આપી હતી.' પરાશરે કહ્યું.

‘એકલા અસહકાર વખતે જ ? તે પહેલાં અને તે પછી પણ હું મારું ધન મહાસભામાં રેડ્યે જ જાઉં છું.’

‘તો જ સંસ્થા ચાલી શકે.'

‘સંસ્થા કોને ચલાવવી છે ? સહુને આગળ આવવું છે, પ્રમુખ થવું છે, વાહવાહ કહેવરાવવી છે, ફૂલહાર પહેરવાં છે, અને પોતાની 'જય' બોલાવવી છે.’

આનો જવાબ પરાશરને જડ્યો નહિ. એને લાગ્યું કે વિજયરાયને મહાસભાની ચડતી કરતાં પ્રમુખસ્થાન, વાહવાહ, ફૂલહાર અને જયની તૃષ્ણા વધારે છે. એ અસંતુષ્ટ તૃષ્ણા તેની પાસે આ બધું બોલાવી રહી હતી.

‘હું ધારું તો નવો પક્ષ ઊભો કરી શકું એમ છું.' વિજયરાયે કહ્યું. પક્ષો ઊભા કરવાની હિંદવાસીઓની શક્તિ અજાણી નથી. આખો ઈતિહાસ એ શક્તિની સાક્ષીરૂપ છે. પોતાને સહુથી વધારે પ્રગતિમાન માનતા સમાજવાદીઓમાં પડેલા પક્ષો પણ એ જ શક્તિના પુરાવારૂપ કેમ ન હોય? ગાંધીવાદ અધૂરો, અણગમતો અને પ્રત્યાઘાતી હશે – છે જ; પણ પ્રગતિવાદીઓમાં પણ કેટકેટલા બિલ્લા ! મહાસભાનો સમાજવાદ, રોયનો સમાજવાદ, થિયોસોફિકલ સમાજવાદ, મુસ્લિમ લીગ સમાજવાદ, બાબુ ભગવાનદાસવાળો હિંદુધર્મ સમાજવાદ, રશિયન સામ્યવાદ, મજૂરવાદ,