પૃષ્ઠ:Shobhana.pdf/૧૧૫

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
ભસ્મનાં પડ:૧૦૭
 


‘કેમ ?'

'હજી પ્રેસમાં જઈ થોડું લખાણ કરવાનું છે.'

‘હું તારી ખબર જોવા આવવાનો હતો, તને વાગ્યું એમ સાંભળ્યું.’

‘થોડું; નહિ જેવું.’

‘શોભનાને તો ઓળખે છે ને ?"

'હા.'

‘તો પછી બોલાવ તો ખરો ! એ આવતી કાલથી અમારી શાળામાં કામ કરવાનાં છે.'

‘એમ કે ?'

‘હું જરા એમને મૂકવા જાઉં છું, નહિ તો આપણે કલાક બેસત.'

‘મારે પણ કામ છે.'

'જઈશ જ ? એમ ?'

મિત્ર ભાસ્કરે તેને સાથે લઈ જવાનું કહ્યું નહિ. વિજયરાય મોટરમાં તેને લાવ્યા હતા એ ખરું : પરંતુ એને પાછા જવાની સગવડ આપવા તેઓ બંધાયેલા ન હતા. પરાશરની સામાજિક સ્થિતિ પણ એવી ન હતી કે તેને ખોટું લગાડવાનો હક્ક ઉત્પન્ન થાય, અગર તેનું ખોટું લગાડવું કોઈને નુકસાનરૂપ થઈ પડે. અને વિજયરાયે કાર આખી દુનિયાને ચરણે ધરી ન હતી, જોકે તેમણે પોતાનું જીવન દેશને ચરણે ધર્યાનું અનેક વખત જાહેર કર્યું હતું. એટલે લાંબે પલ્લે પરાશરને - પગપાળા જવાનું હતું.

પરાશરે સાદું જીવન સ્વીકાર્યું તે ક્ષણથી જ તેણે બાહ્ય સુખને તિલાંજલિ આપી હતી. તેને સુખનો વિરોધ ન હતો; સહુને સુખ મળે એવી સમાજરચના રચવામાં સહાય કરવાની જ તેને અભિલાષા હતી. ગાંધીવાદે તૈયાર કરેલી દેશસેવાની ભૂમિકામાં અસ્પષ્ટતા, વર્ગવિગ્રહની સંભાવનાનો અભાવ, જમીનદારો અને અર્થવાદીઓનું મહત્ત્વ વધારવાની તેમાં રહેલી સંપૂર્ણ શક્યતા, રાજકીય કે સામાજિક યુદ્ધ માટેની તૈયારી તરીકે માગવામાં આવતી અતિ વિશુદ્ધિ જે કદાચ બધી જ વિશુદ્ધિ તરીકે ભાગ્યે જ ગણી શકાય - ધર્મ, નીતિ અને રાજકારણનું ગૂંચવણભર્યું મિશ્રણ, હૃદયપલટાની અશક્ય માન્યતા, અહિંસાનો દુરાગ્રહ, રેંટિયાનો અત્યાગ્રહ, બંધારણનો સ્વીકાર - એ સઘળા ગાંધીવાદના દોષો કે ગાંધીવાદની ખામીઓમાંથી દેશની લડત સ્વરાજ્યને ચીલેથી ખસી બ્રિટિશ સામ્રાજ્યવાદને ચીલે ચઢી જવાના ક્રમમાં હતી, એમ પરાશર પણ માનતો હતો.