પૃષ્ઠ:Shobhana.pdf/૧૧૮

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૧૦: શોભના
 

બાઈની સારવાર તરફ પોલીસના એકબે માણસો સિવાય બીજા કોઈનું ધ્યાન જતું ન હતું. એકબે સિપાઈ કારની બહાર નીકળેલા ડ્રાઈવર અને કારમાં જ બેસી રહેલા માલિકની સાથે કાંઈ જિકર કરતા હતા. માલિકને પોલીસની સાથે વાત કરવામાં અપમાન લાગતું હતું. તેમની ગાડી કદી જ ભૂલ કરે નહિ, અને તેમનો હાંકનાર એક વખત સરકસમાં ચાર કાર સાથે ચલાવી શકતો હતો, એવી કાંઈ હકીકત તેઓ પોલીસ તરફ ફેંકતા હતા. નીચે પડેલી બાઈએ મૃત્યુને પોતાની સામે નિહાળ્યું, અને ગાડીમાં બેસનાર આખી ધનિક આલમનો ઉચ્છેદ થાય એવી તે ક્રોધભરી પ્રાર્થના કરતી હતી. ટોળાને સર્વ વાતમાં રસ પડતો હતો. ટોળાને બાઈની ગાળો પણ ગમતી, માલિકનો દમામ પણ ગમતો, અને આવા દમામવાળાને રોકી શકેલા પોલીસના માણસોની ખબરદારી પણ ગમતી. માત્ર તે જાતે નિષ્ક્રિય હતું. બાઈનો દોષ હતો કે મોટર હાંકનારનો, તેનો પુરાવો કરવાને પંચક્યાસમાં ઊભા રહેવાની સહુની ચોખ્ખી ના હતી.'

‘આ બિનજવાબદાર, નિષ્ક્રિય, સ્વાર્થી અને તમાશાખોર ટોળાં દ્વારા આપણે સ્વરાજ્ય લેવાનું છે, નહિ ?' પરાશરના હૃદયમાં પ્રશ્ન ઊઠ્યો અને તે જ ક્ષણે તેને લાગ્યું કે તેના પહેરણના ખિસ્સા તરફનો ભાગ જરા ખેંચાય છે.

ટોળામાં કપડાં સ્વાભાવિક રીતે જ ખેંચાય, એટલે તેણે પ્રથમ તો તે તરફ ધ્યાન ન આપ્યું; પરંતુ બેત્રણ વાર એક જ જગ્યાએ તેણે ખેંચ અનુભવી. ટોળામાંથી આગળ વધી અકસ્માતની જગ્યાએ પહોંચી બાઈને કાંઈ પ્રાથમિક સારવાર થઈ શકતી હોય તો તે કરવા તે આતુર હતો; પરંતુ પહેરણ ખેંચાવાથી તે જરા થોભ્યો. તેને સહજ રમૂજ પડી. તેના ખિસ્સામાં એક પાઈ પણ નહોતી. મહેનત કરી રહેલા ખિસ્સાકાતરુને જોવાની અને તેને વધારે તક આપી નિષ્ફળ બનાવવાના કાર્યમાં સહાયભૂત થવાની તેની જિજ્ઞાસા અને રમૂજવૃત્તિએ તેને એકાએક આગળ વધતો અટકાવ્યો. તેણે પોતાના ખિસ્સા તરફ મનને પ્રેર્યું - જોકે તેણે દૃષ્ટિ તો અકસ્માત તરફ જ રાખી હતી. અને જેવો તેના ખિસ્સામાં ઊંડે એક હાથ ઊતર્યો લાગ્યો કે તત્કાળ તેણે તે હાથને પકડી લીધો.

પરાશરે મજબૂત હાથની કલ્પના કરી હતી; પકડયા પછી એ હાથના માલિકને દોસ્ત બનાવવાની ઈચ્છા રાખી હતી; જરૂર વગર કોઈ ખિસ્સું કાતરે નહિ એમ તે માનતો હતો. ટેવાયલા ગુનેગારો પણ જરૂરની પરંપરાના ઘડતર રૂપ હતા. એમ તે ગણતો હતો, એટલે ચોરને પકડીને પોલીસને સ્વાધીન તો કરવાનો ન જ હતો. છતાં તેની કલ્પના કરતાં જુદો