પૃષ્ઠ:Shobhana.pdf/૧૨૪

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૧૬: શોભના
 


‘હું કાંઈ કહેતો જ નથી ને !’

'પણ ઈજા તો ચારેક દિવસ જેટલી જ લખી આપશો ને ?’

‘હાસ્તો. મને લાગે છે તે જ લખીશ. ઈજાનું અને પૈસાનું પ્રમાણ હું સામસામા પલ્લામાં મૂકતો નથી.’

‘થેંક્સ’ કહી મોટરમાલિકે પંદર રૂપિયા ડૉક્ટરના મેજ ઉપર મૂક્યા, અને તેના ઉપર કાચના મેજરમકડાનો ભાર મૂક્યો. ડૉક્ટરો હાથોહાથ પૈસા લેતા જ નથી.

‘તમને પણ દસેક રૂપિયા આપું છું. જમાદાર !’ મોટરમાલિક બાઈને લઈ જતા પોલીસ સિપાઈઓના આગેવાનને કહ્યું.

‘નહિ રે સાહેબ ! અમે હમણાંના એવા પૈસા લેતા જ નથી.’ જમાદારે કહ્યું.

'કેમ?'

‘અમારા ઉપર બધાની આંખ તો હોય જ. આપ સાહેબ બધા મોટા અમલદારોને ઓળખો છો, એટલે સહજ વાત કરો તોય અમારો તો રોટલો જાય; અમને કોઈ સાંભળે જ નહિ.’ જમાદારે કહ્યું.

'આ મહાસભાની સરકારે આવી ગરીબોના જ ગળા ઉપર છરી મૂકવા માંડી છે.’ લાંચ આપવા ઈચ્છતા અને તેમ કરી મુકરદમાને હળવો બનાવી દેવાનો પેંતરો રચતા મોટરમાલિકે ગરીબોની દયા ખાવા માંડી.

‘આપનું નામ શું ?' પરાશરે પૂછ્યું. તેમને કોઈક સ્થળે કોઈ બાબતના આગેવાન તરીકે જોયાનું તેને યાદ આવ્યું.

‘મારું નામ સુખાનંદન.’

‘પરાશરને આ નામ સાંભળતાં જ એક ચાલુ ઈતિહાસનો ટુકડો સમજાઈ ગયો. મહાસભાને ગાળો દેવા સ્થપાયલા એક સનાતની પત્રના આર્થિક અમૃતઝરારૂપ ગણાતા સુખનંદન કેટલાં વૈષ્ણવ મંદિરોના ચાલક અને ધમાચાર્યોના સલાહકાર હતા. આવી સલાહોમાંથી તેમણે કેટલાક માળા હાથ કરી લીધા હતા. અને તેના ઉત્પન્નમાંથી સુખી જિંદગી ગુજારતા આ ધર્મીં ગૃહસ્થ અંત્યજોદ્ધારની પ્રવૃત્તિ વિરુદ્ધ, મંદિરોમાં અંત્યજોના પ્રવેશ વિરુદ્ધ, સ્ત્રીઓના વારસાઈ હક્કના કાયદા વિરુદ્ધ, છૂટાછેડાના નિબંધ વિરુદ્ધ, દારૂ નિષેધ વિરુદ્ધ અને એવી એવી મહાસભાની જુદી જુદી પ્રવૃત્તિઓ વિરુદ્ધ જબરજસ્ત પ્રચારનું કામ કરતા હતા. તેઓ સભાઓ ભરતા, સભાઓ તોડતા, સરઘસો રચતા અને બીજાનાં સરઘસો ભાંગતાં, તથા સનાતન ધર્મ સાચવવા માટે ગુંડાગીરીના સઘળા અખતરાઓ કરી