પૃષ્ઠ:Shobhana.pdf/૧૨૫

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
ભસ્મનાં પડ:૧૧૭
 

વિરોધીઓને ભય પમાડતા. ધર્મવીરનું ઉપનામ સદાય આગળ કરતા એ મહાસભાવિરોધી નેતા હતા. મહાસભાની પ્રતિષ્ઠા ઓછી થાય અને તેમાં ભંગાણ પડે એ નિષ્ઠામાં આ ચુસ્ત સનાતની ગૃહસ્થ મુસ્લિમો, અંત્યજો અને ખ્રિસ્તીઓની સોબત પણ શોધતા. મહાસભાના પ્રધાનો અને આગેવાનોનાં ખાનગી જીવન સંબંધી માહિતી બાજ સરખી વૃત્તિથી ભેગી કરી, પોતે પકડાય નહિ છતાં સામો પક્ષ બરાબર વગોવાય એ ઢબનાં લખાણો અને વ્યાખ્યાનો કરવામાં તેઓ મહાસભાના વિરોધી મુસ્લિમો, અંત્યજો અને સામ્યવાદીઓને પણ નમૂનો પૂરો પાડે એવી દક્ષતા ધરાવતા હતા.

ગઈ કાલ થયેલા હુલ્લડોમાં સુખનંદનનો પણ હિસ્સો હતો. એમ કોઈ કોઈ સ્થળેથી પરાશરે સાંભળ્યું હતું.

‘જી, આપનું નામ સાંભળ્યું છે.' પરાશરે કહ્યું.

‘અહીં રહો અને મારું નામ ન સાંભળો એ બને જ નહિ. ગાંધીવાદી છો ખરું ?’

'ના જી, સામ્યવાદી છું.’

‘એમ ? જોકે હું સામ્યવાદી નથી, છતાં મહાસભાના કાન તમે ઠીક પકડાવો છો ! કોઈ વખત આવજો. સાહેબજી, ડૉક્ટર !’

સુખનંદન, સિપાઈઓ અને ઘાયલ બાઈ બહાર ગયાં. સુખનંદને મહાસભાના પ્રધાનોની આંખમાં ધૂળ નાખવા પોલીસને ખુશબખ્તી આપી કે નહિ તેની પરાશરને ખબર પડી નહિ.

ડૉક્ટર કુમારે હસીને પરાશરનો હાથ પકડ્યો, અને તેને પોતાની સાથે એક સોફામાં બેસાડ્યો.

‘બહુ દિવસે દેખાયો.' ડૉક્ટરે કહ્યું.

'મેં તને કહ્યું હતું કે તને દર્દીઓ અપાવીશ. આજે એક લઈ આવ્યો.’

'પણ તેં તો ફી વગરના દર્દીઓ લાવવા કહ્યું હતું. આજે તો તું જુદો જ દર્દી લાવ્યો.'

‘મારી ઈચ્છા વિરુદ્ધ. ડૉક્ટરોની લૂંટમાં હું સામેલ થવા માગતો નથી.'

'ઠીક. આ છોકરો કોણ છે ?'

'એ એક બેકાર છોકરો મારું ખિસ્સું શોધતો હતો. મારા ખિસ્સામાં તો શું હોય ? એટલે એને આઠેક આના અપાવવા સાથે લઈ ફરું છું.’

‘આમાંની એક નોટ એને આપી દે.'

‘આખી નોટ ? પાંચ રૂપિયા તો વધારે પડતા કહેવાય.'