પૃષ્ઠ:Shobhana.pdf/૧૨૯

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
ભસ્મનાં પડ:૧૨૧
 

વકીલાતમાં, દલાલીમાં, સટ્ટામાં કે વ્યાપારમાં અદૃશ્ય થઈ ગયા હતા. ડૉક્ટર કુમાર એમાંનો એક હતો.

પરાશર થાકી ગયો હતો; શરીર કરતાં તેનું મન વધારે થાકી ગયું હતું. તે સોફા ઉપર જરા આડો પડ્યો. તેની સાદડી કે પલંગ કરતાં સોફા વધારે સુખમય તો હતો જ. આખું જગત સોફા ઉપર બેસી સુખ ભોગવી શકે એટલું લાકડું, સ્પ્રિગ, કાપડ અને કારીગરી જગતમાં છે છતાં એ કેટલાકને મળે છે ? રાજમહેલોમાં, ધનિકોના બંગલાઓમાં, હોટલોમાં અને ...અને...ગણિકાગૃહોમાં આ સોફાઓ વેરાયલા પડ્યા છે. જગતને સુખસાધનો આપનાર મજૂર વાંસની સાદડીયે પામતો નથી ! એ સોફાની સુંવાળશ ?...કે નાગની સુંવાળી ફણા ?

પરાશર એકાએક ઊભો થઈ ગયો.

‘કેમ ? ચમક્યો કેમ ?’ ડૉક્ટરે પૂછ્યું.

‘તારે માટે જગત કેટલું ઝૂરે છે તે જાણે છે.' પરાશરે કહ્યું.

‘મારે માટે ? મારી પત્ની સિવાય કોઈ મારે માટે ઝૂરતું હોય એમ હું માનતો નથી. અને કદાચ ધનહીન પતિ માટે પત્ની પણ ન ઝૂરે તો હું તેનોય વાંક ન કાઢું !’

‘તારે માટે ઝૂરતું જગત હું તને બતાવું પણ ત્યાં કાર નથી, નર્સ નથી અને બંગલો નથી.’

‘હવે તે મારે જોઈએ પણ નહિ. હું એ જગતમાં આવ્યો જ એમ માન.'

'પણ તારો આ દેવસ્વાંગ-સાહેબસ્વાંગ પણ તારે દૂર કરવો પડશે.’

‘કબૂલ, કાલ સવારથી તું મને જુદો જ નિહાળીશ.'

પરાશર પાછો બેસી ગયો. બન્ને મિત્રો કેટલીક વાર સુધી અશબ્દ રહ્યા. થોડી વારે કુમારે કહ્યું :

‘તારે કામ હશે, હવે તું જઈ શકે છે.'

‘ના, મારે તને એકલો મૂકવો નથી.' આપઘાત કરવા તત્પર થયેલા મિત્રે વચન આપ્યું હોય તોય તેનો વિશ્વાસ રાખવો ન જોઈએ. પરાશર કુમારને એકલો ન જ રાખી શકે.

‘તું ક્યાં સુધી સાથે રહીશ ? ભરોંસો નથી પડતો ?'

‘ના; અને તું મારા જગતમાં આવવાનો હોય તો આપણે સદાય સાથે રહીશું.’ વળી પાછા બંને શાંત પડ્યાં.

‘તું જમ્યો છે ?’ કુમારે પૂછ્યું.

‘ના, મારે જમવું નથી.' ખરેખર પરાશરની ભૂખ મરી ગઈ હતી. અને