પૃષ્ઠ:Shobhana.pdf/૧૩

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
જ્વાળામુખી:૫
 

સાબિત કર્યું કે સ્ત્રીઓને પુરુષની દોરવણીની જરાય જરૂર નથી. એટલું જ નહિ, પણ પુરુષ સર્વદા સ્ત્રીથી દોરાયો છે, અને જેટલે અંશે એ સત્ય તે સમજશે તેટલે અંશે જ તે અને દુનિયા સફળ થશે.

વ્યાખ્યાન પૂરું થતાં સુધી પૂરી શાંતિ જળવાઈ રહી. વિદ્યાર્થિનીને પણ સાચાં વખાણની તાળીઓથી સહુએ વધાવી લીધી. પરંતુ તેમાંથી પાછી અવ્યવસ્થા શરૂ થઈ ગઈ.

પ્રમુખે સહુના મત માગ્યા વિદ્યાર્થીઓએ સમાન હક્કની તરફેણમાં પણ હાથ ઊંચા કર્યા અને વિરુદ્ધમાં પણ હાથ ઊંચા કર્યા વ્યાખ્યાન માટે કોઈ ને ગંભીરતા હતી જ નહિ, કોઈના જ્ઞાનમાં એથી વધારો થાય એમ લાગતું ન હતું. શાનમાં વધારો કરવાની ઈચ્છાથી ભાગ્યે જ કોઈ વિદ્યાર્થી ભણે છે. ભણવાની જરૂર છે, ભણવાની ટેવ પડી છે, બીજો ભણે છે માટે દેખાદેખીથી વિદ્યાર્થીઓ ભણ્યે જાય છે.

કશો ઠરાવ પસાર થયો નહિ, અને પ્રમુખે પોતાનો આભાર માનવાની તક ન આપતાં સભા બરખાસ્ત કરી. સભા બરખાસ્ત થતાં રાક્ષસી બૂમાબૂમ, પછાડાપછાડ, ભાંગતોડ અને ધક્કાધક્કી સહ આ હિંદના - જગતના ભાવિની કૂંચી ધારણ કરનારો વિદ્યાર્થીવર્ગ વ્યાખ્યાનગૃહની બહાર નીકળવા લાગ્યો. સમાન હક્ક માગતી કન્યાઓએ પોતાના હક્કને રાખ્યો, અને પુરુષવિદ્યાર્થીઓને પહેલાં બહાર નીકળવાની તક આપી.

બહાર શયતાન ઊછળતો હતો. અંદર વિદ્યાર્થીઓનું ટોળું ધીમે ધીમે દરવાજા તરફ આગળ વધ્યું.

'શોભના ! તે બહુ સારો જવાબ આપ્યો.' એક યુવતીએ વ્યાખ્યાન આપી ચૂકેલી વિદ્યાર્થિનીને કહ્યું.

'હં.' તિરસ્કારથી શોભનાએ માનનો સ્વીકાર કર્યો એનો તિરસ્કાર એની સહિયર પ્રત્યે નહોતો: વિદ્યાર્થીવર્ગનો અવિનય તેને જરૂર ખૂંચતો હતો.

'પાછું રસ્તે એનું એ જ થશે.' બીજી યુવતીએ કહ્યું, સહશિક્ષણથી વિદ્યાર્થીઓની વાસના તીવ્ર બની છે અને શૌર્યની કક્ષા નીચે ઊતરી છે એમ કોઈ આરોપ મૂકે તો તેના પુરાવા કૉલેજ અને કૉલેજની બહાર છેક ન મળે એમ કહેવાય નહિ. છોકરીઓને નિહાળવાની તક મળે એવા ઉદ્દેશથી સરસ્વતીપૂજન કરતો વિદ્યાર્થીવર્ગ છેક નાનો નહિ હોય !

'હું તો ચંપલ જ લગાવી દઉ !' ત્રીજી યુવતીએ કહ્યું, એ પ્રમાણે બને