પૃષ્ઠ:Shobhana.pdf/૧૩૫

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
ભસ્મનાં પડ:૧૨૭
 


‘જુઓ. તમે શોભના સાથે વાત કરો છો. હું એકલી પડતી હતી. તે પરાશરને ખેંચી લાવી. અમે બે સાથે બેસીશું. અને આ ડૉક્ટરને વિની અને તારિકાની વચ્ચે બેસાડીએ તો કેવું ?’ રંભા ખડખડ હસી પડી; એ હાસ્યમાં સત્ય હતું; વિની અને તારિકાએ ડૉક્ટર કુમારને પોતાની વચમાં બેસાડવા જરા પણ નાખુશી બતાવી નહિ. અને અંધારું પાછું થઈ ગયું હોવાથી રંભા અને પરાશર સાથે સાથે ઝડપથી બેસી જાય અને પ્રેક્ષકોને હરકત ન કરે એમાં જ સારી રીતભાત રહેલી હતી.

દૃશ્યનો બીજો ભાગ શરૂ થયો. પ્રથમ વિભાગ કરતાં એ વધારે રસપ્રદ હતો - સ્વાભાવિક રીતે જ. એમાં સમુદ્રસ્નાનનાં દૃશ્યો આવતાં હતાં, બગીચામાં ચંદ્રપ્રકાશનાં દૃશ્યો આવતાં હતાં. સ્નેહ કરવો કે ન કરવો તેની ગૂંચવણમાં પડેલાં નાયકનાયિકાની થોડી ગૂંચવણ ઊકલતી હતી અને થોડી ગૂંચવણ વધતી હતી, એટલે ગૂંચવણ ઊકલતાં તેઓ પરસ્પર પ્રેમ કરતાં હતાં, અને ગૂંચવણ વધતાં તેઓ બીજાની સાથે પ્રેમ કરતાં હતા ! દૃશ્યનો 'ટેમ્પો’ આમ વધ્યો જ જતો હતો.

એકાએક પરાશરના હાથ ઉપર રંભાનો હાથ ઊતરી આવ્યો. સ્ત્રીના હાથ ઉપર પુરુષ હાથ મૂકે તો સ્ત્રી બૂમ પાડે, ધોલ મારે અગર ચંપલ પણ ફટકાવે; પરંતુ પુરુષના હાથ ઉપર સ્ત્રી હાથ મૂકે તો શું કરવું તેની વ્યૂહરચના હજી જાહેર થઈ નથી. પરાશરથી રંભાનો હાથ તરછોડાય એમ ન હતું. એવો અતિ પવિત્રતાનો દેખાવ કરવા જેટલો નીતિઘમંડ હજી તેનામાં જામ્યો ન હતો. અને... અને સ્ત્રીનું સાન્નિધ્ય અને સ્ત્રીનો સ્પર્શ તેને અણગમતાં લાગ્યાં ન હતા !

‘આ શોભના ! જોઈને ?’ બહુ જ ધીમેથી રંભાએ પરાશરને કહ્યું.

‘હા, કેમ ?’

‘જ્યારે જોઈએ ત્યારે ભાસ્કરની સોડમાં જ, લોકો વાતો કરવા માંડશે.' નવીન યુગની સુશિક્ષિત યુવતી રંભા - નવીન નીતિનો આદર્શ સેવતી રંભા - જાતે જ પરાશરનો હાથ પકડી રહી હતી, છતાં શોભનાની નીતિ-જુનવાણી નીતિ સાચવવાની તે ચિંતા કરતી હતી !

એ ચિંતા કરતી હતી કે તેને ઈર્ષા થતી હતી ? કદાચ પરાશરની પાસે બેસી સ્પર્શની ચેષ્ટા ચાલુ રાખવા માટે તેણે બાહ્ય દૃશ્ય તરીકે પણ આ વાત શરૂ કરી હોય.

‘તમને લોકોની વાતનો આટલો બધો ભય છે ?' પરાશરે પૂછ્યું. રંભાને લાગ્યું કે પરાશર તરફનું આ ઉત્તેજન છે - લોકભયનો ત્યાગ કરવાના કહેણ નીચેનું આમંત્રણ છે.