પૃષ્ઠ:Shobhana.pdf/૧૩૬

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૨૬: શોભના
 


‘એમ નહિ, હું તો સહજ કહું છું.’

‘હું નિંદાસ્તુતિમાં માનતો જ નથી.’

રંભાને એ કથન ગમ્યું. તેણે પરાશરના હાથને વધારે સ્પષ્ટતાથી - વધારે સરળતાથી પોતાના હાથમાં લીધો. જરા રહીને તેણે પૂછ્યું :

'હું તમને તું કહીને બોલાવું તો હરકત છે ?’

‘જરાય નહિ. ક્‌વેકર્સ એમ જ કરે છે.*[૧] આપણે ત્યાં તો એ માન્ય પ્રથા છે. બહુવચન અંગ્રેજો સાથે વધારે પ્રમાણમાં આવ્યું. કોમરેડ્ઝ+[૨] એકવચનનો ઉપયોગ કરે તો એકબીજાની વધારે નજીક આવે.'

‘અત્યારથી જ હું તને તું કહીશ.’

'વારુ.'

'અને તું મને શું કહીશ ?’

‘રંભાગૌરી !'

'હટ્ર !’ કહી રંભાએ છૂપું છૂપું છણકોઈને પરાશરનો હાથ છોડી દીધો, અને વળી પાછો પ્રકાશ નાટ્યગૃહમાં ફેલાયો. ચિત્ર અટક્યું અને વેચનારાઓના પોકારોએ ચિત્રને ચૂંથી નાંખ્યું.

ઈન્ટરવલમાં આઈસક્રીમ લેવું, લેમન લેવું કે ખારીશીંગ અને પિસ્તાં, એ જેના તેના સંસ્કાર ઉપર આધાર રાખે છે. આઈસક્રીમ એ ઊંચામાં ઊંચા સંસ્કારની નિશાની છે, લેમોનેડ એ મધ્યમ સંસ્કારનું પ્રતીક છે, અને શીંગ તો દરિદ્રી પ્રથાની સૂચક ગણાય છે. જોકે ઘણી વખત પ્રત્યેક વર્ગના સંસ્કાર સાથે સહાનુભૂતિ બતાવવા પ્રત્યેક વસ્તુની ખરીદી થાય છે.

વળી પહેલાં ઈન્ટરવલમાં સ્વાદેન્દ્રિયને બહેકવા દેવી કે બીજા ઈન્ટરવલમાં એ એક નાજુકીભર્યો પ્રશ્ન છે. વસ્તુ ભાવે છતાં તેના તરફ ઉદાસીન દેખાવું એ લઢણ સમૂહમાં માન્ય થઈ પડી છે, એટલે સારા માણસો પહેલાને બદલે બીજા ઈન્ટરવલ સુધી ખામોશ રાખી. આઈસ્ક્રીમ ખાતા નથી - જોકે એકલ અગર રીઢા વિસ્તારી ગૃહસ્થો અંધારામાં કાંઈ કરવાનું ન હોવાથી દૃશ્ય જોતાં જોતાં શીંગ કે પિસ્તાં ખાવાની ધૃષ્ટતા કરે પણ છે. છોકરીઓ ઘણી વાર ચૉકલેટ પણ પસંદ કરે છે.

ધનિક ભાસ્કરે પોતાની પરિચિત મંડળીમાં આઇસક્રીમ વહેંચાવ્યું. ધનિક ન હોવા છતાં ધનિક દેખાવાની બહુ જ આકાંક્ષા એક વખત રાખતા


  1. * ખ્રિસ્તી ધર્મનો એક પંથ.
  2. + સાથીદારો; મિત્રો, સામ્યવાદીઓ માટે વિશિષ્ટતા ધારણ કરતો શબ્દ.