પૃષ્ઠ:Shobhana.pdf/૧૩૮

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૩૦: શોભના
 


બહારના છજાની ખુલ્લી હવામાં એક ખુરશી ઉપર બેસાડી.

શોભના ખરેખર પરાશરની સહાય વગર પડી હોત, કદાચ મૂર્છિત પણ બની ગઈ હોત. ખુરશી ઉપર બેસી તેણે પરાશર સામે એક નજર કરી અને તત્કાળ તેણે આંખો મીચી દીધી. પરાશર પાસે ઊભો રહ્યો. શોભનાના હાથમાં રહેલો રૂમાલ ખેંચી તેણે પવન નાખવો શરૂ કર્યો.

‘જરૂર નથી.' આાંખો બંધ રાખી શોભના બોલી, પરાશરે રૂમાલ પાછો સોંપ્યો. શોભનાએ જરા રહી આંખો ઉઘાડી. પરાશર સામે ઊભો હતો.

‘મારી પાસે કોઈની જરૂર નથી.' શોભનાએ કહ્યું.

પરાશર શોભનાને મૂકી થોડે દૂર ગયો, અને શોભના તરફ જ જોવા લાગ્યો. જરા વારમાં ડૉક્ટર કુમાર અને ભાસ્કર બંને બહાર આવ્યા. અને શોભનાની સારવાર માટે તેની આસપાસ ફરી વળ્યા.

‘મને કશાની જરૂર નથી. હવે મને સારું છે.’ શોભનાએ કહ્યું.

‘પણ થયું શું ?' કુમારે પૂછ્યું.

‘મને ફેર આવી ગયા.'

'શાથી ?'

‘કોણ જાણે; પણ હવે તમે અંદર જઈ બાકીનું ચિત્ર જુઓ.’ શોભનાએ કહ્યું.

'તમારા વગર ?’ ભાસ્કરે પૂછ્યું.

‘હું પણ આવું ચાલો.’ શોભના બોલી. જો કે તે જાણતી હતી કે દૃશ્ય ઘણું લાંબું બાકી રહ્યું ન હતું.

‘હાથ ઝાલી લઉં ?' ભાસ્કરે કહ્યું.

‘ના, ચાલશે.’ શોભનાએ જવાબ આપ્યો. બધાં અંદર ગયાં; પણ પરાશર ઊભો રહ્યો. એને ચિત્ર ગમ્યું, કે ન ગમ્યું તે એના મુખ ઉપરથી સમજાતું ન હતું. આસપાસ લટકાવેલાં નાનાં ચિત્રો અને છબીઓ તથા કલામય ઢબે આયનાઓ સામે મુકાયલાં પ્રસિદ્વિચિત્રો- Postersની સામે જોતો હોવા છતાં તેની દૃષ્ટિ બાહ્ય જગતને જોતી જ ન હોય એવી ઊંડી ઊતરી ગઈ હતી. રંભા પાસે આવી ઊભી રહી પણ એને ખબર ન રહી.

‘છેલ્લો ભાગ ઘણો સરસ છે. તારે નથી જેવો ?' રંભાએ પૂછ્યું. નિદ્રામાંથી જાગી ગયા જેવી સ્થિતિ અનુભવતા પરાશરે કહ્યું :